૧૯૮૩ અને ૨૦૧૧માં વન-ડેનો વર્લ્ડ કપ જીતનાર ભારત આ વખતે ત્રીજી વાર આ સ્પર્ધાની ટ્રોફી જીતવા માટે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર મોટો મદાર રાખીને બેઠું છે અને આ પચીસ વર્ષનો વડોદરાવાસી ટીમ ઇન્ડિયાને આ સર્વોચ્ચ ટ્રોફી અપાવવા મક્કમ છે.
હાર્દિકે અહીં આઇસીસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં કહ્યું છે, ‘વર્લ્ડ કપ જીતવા વિશે હું કોઈ જ પ્રકારનું માનસિક દબાણ નથી અનુભવતો, કારણકે માત્ર ૧.૫ અબજ લોકો જ આ કપની અપેક્ષા રાખીને બેઠા છે.’
ભારતની ૧.૨૫ અબજની પ્રજા અને અન્યત્ર વસતા ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ ગણીને કુલ ૧.૫ અબજ લોકોની સંખ્યા હાર્દિકને નાની લાગે છે અને એના પરથી જબરદસ્ત જોશ અને ઉત્સાહનો અંદાજ આવે છે. તેણે વધુમાં કહ્યું હતું કે ‘૧૪મી જુલાઈ (ફાઇનલનો દિવસ)એ હું વર્લ્ડ કપની ટ્રોફી મારા હાથમાં લેવા માગું છું.
અત્યારે મારું એ જ એકમાત્ર લક્ષ્ય છે અને ખુદની પાસે એટલી જ અપેક્ષા રાખું છું. હું એ ઘડીની કલ્પના કરું છું તો પણ મારામાં અનેરું ચેતન આવી જાય છે. મને ક્રિકેટની રમત બેહદ પ્રિય છે અને અનેરા પૅશન સાથે રમું છું. મને પડકારો ઝીલવા ગમે છે.’