શેરબજારમાં આજે કારોબારના છેલ્લા કલાકોમાં જોરદાર વેચવાલીના પરિણામ સ્વરુપે કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ અથવા તો ૦.૭૩ ટકા ઘટીને ૩૯૪૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સ ૩૯૩૬૩ની નીચી સપાટીએ રહ્યો હતો. આજે દિવસ દરમિયાન બીએસઈ ૩૦ શેર પૈકી માત્ર પાંચ શેરમાં તેજી રહી હતી. જે શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો તેમાં ઇન્ડસબેંક, ભારતી એરટેલ, કોટક બેંક, એક્સિસ બેંક અને તાતા મોટર્સનો સમાવેશ થાય છે. બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ૯૧ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૧૮૨૩ રહી હતી. ૧૬૮૬ શેરમાં મંદી રહી હતી જ્યારે ૮૦૮ શેરમાં તેજી જામી હતી. ૧૪૪ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. સાપ્તાહિક આધાર પર સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. શુક્રવારના સેશનમાં મંદીની સાથે જ તમામ નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદી રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં ૨.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો જે સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં એક ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં એક ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૨૧ રહી હતી જ્યારે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૧૦ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૪૩૬૬ રહી હતી. આજે કારોબાર દરમિયાન અનેક કંપનીઓના શેરમાં રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. ગૃહ ફાઈનાન્સના શેરમાં શરૂઆતી કારોબારમાં આઠ ટકાનો ઘટાડો રહ્યો હતો.
પ્રમોટર હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરશન દ્વારા કંપનીના પેઇડઅપ કેપિટલ પૈકી ચાર ટકા રકમ ઓપન માર્કેટમાં વેચી મારવામાં આવતા તેની સીધી અસર જોવા મળી હતી. જો કે, કારોબારના અંતે આ શેરમાં ૪.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના શેરમાં દબાણની સ્થિતિ રહી હતી. છેલ્લા સાત કારોબારી સેશનમાં તેના શેરમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. નકારાત્મક સમાચારોના લીધે તેના શેરમાં આ ઘટાડો થયો છે. ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સ ૧૫ પોઇન્ટ ઘટીને ૩૯૭૪૧ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૧૧૯૦૦ની સપાટીથી ઉપર પહેલા કારોબારી સંતુષ્ટ દેખાયા હતા તેમાં ૮ પોઇન્ટનો નજીવો સુધારો થયો હતો. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકાણકારોએ જંગી રકમ ઠાલવી દીધી હતી. આ ગાળા દરમિયાન ૭૦૯૫ કરોડ રૂપિયાની અભૂતપૂર્વ રકમ ઠાલવી દેવામાં આવી હતી. પોલિસી સુધારા ચાલુ રહેવાના લીધે આ ફાયદો થયો છે. સતત ચાર મહિનાથી વિદેશી રોકાણકારોએ લેવાલી જારી રાખી છે. તેઓએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા