વાયુ વાવાઝોડાની અસરના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
વલસાડ ખાતે ભારે પવન ફુંકાઈ રહ્યો છે. દરમિયાન વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ટેરેસ પર જનરેટર રૂમનાં પતરા ઉડ્યા હતા. જ્યારે તિથલ દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તાપી જિલ્લામાં સોનગઢમાં ૨૫ મિમિ વરસાદ પડ્યો હતો.
વાયુ વાવાઝોડાના કારણે પલટાયેલા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં દરિયો તોફાની બન્યો છે. ભારે વપન સાથે દરિયાના ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વલસાડમાં તિથલ દરિયા કિનારે ઉંચા મોજા ઉછળતા બીચ પર પાણી ફરી વળ્યા હતા. દરમિયાન વલસાડમાં ૨ મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ અને કપરાડા તાલુકાઓમાં છુટો છવાયો વરસાદ અને ઝાપટા પડ્યા હતા.
ભારે પવનના કારણે વલસાડ સિવિલ હોસ્પિટલના પતરાં ઉડી ગયા હતા. અને ધરમપુરમાં બામટી ગામે કેરી માર્કેટના તૂટેલા ત્રણ સ્ટોલના પતરાં પણ ઉડી ગયા હતા. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.
તાપી જિલ્લામાં સોનગઢમાં ૨૫ મિમિ અને વ્યારામાં ૧૨ મિમિ વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત જિલ્લાના ચોર્યાસીમાં ૨૧ મિમિ, ઉમરપાડામાં ૧૧ મિમિ વરસાદ પડ્યો હતો. દરમિયાન ભારે પવન સાથે ડભારી અને દાંડીનો દરિયો તાફોને ચડ્યો હતો. અને ઉંચા મોજા ઉછળ્યા હતા. જેથી કાંઠા વિસ્તારની ૨૧ જેટલી શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. અને હજુ બે દિવસ ભારે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે.