વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના વિદ્યાની વિદ્યાલયના સંચાલકો દ્વારા એફ.આર.સી.ના નિયમોને નેવે મૂકીને વધુ ફી આપવાની વાલીઓને ફરજ પાડપવામાં આવતા આજે વાલીઓ દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. અને ૧ હજાર જેટલા વાલીઓએ એફ.આર.સી.એ નક્કી કરેલી ફી લેવા માટે સ્કૂલને ફરજ પાડવા ફોર્મ ભર્યા હતા.
નવરચના વિદ્યાની વિદ્યાલયના સંચાલકો દ્વારા ફી નિયમન સમિતિએ નક્કી કરી આપેલી ફી મુજબ ફી વસુલ કરવાને બદલે મનસ્વી રીતે ફી વધારો કરતા વાલીઓ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો છે. સ્કૂલના સંચાલકો દ્વારા આર્થિક રીતે સદ્ધર અને આર્થિક રીતે પછાત એવા સ્કૂલના વિદ્યાર્થીઓના ભાગલા પાડીને વાલીઓ પાસે ફી ભરવા માટેની બાહેધરી ફોર્મ બહાર પાડવામાં આવતા વાલીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મોટા વરાછા ખાતે આવેલી આશાદીપ વિદ્યાલય-૪ ખાતે વાલીઓ દ્વારા શાળામાં થયેલા ફી વધારા મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આખરે ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવાની ખાતરી મળતાં વાલીઓ વિખેરાયા હતાં.
મિનાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં થયેલા ફી વધારાથી તેઓ અજાણ હતાં. સ્કૂલના નોટિસ બોર્ડ પર પણ ફી વધારાનો ઉલ્લેખ કરાયો નથી. વિદ્યાર્થીઓને રિઝલ્ટની પાછળ ફી વધારાનું લખાયેલું હતું જે મોટાભાગના વાલીઓને ખબર નહતી.ગત વર્ષની ફી પણ વધારે લાગતી હતી ત્યારે આ વર્ષે ધરખમ ૨૫૦૦ રૂપિયા જેટલો વધારો કરાયો છે. ગત વર્ષે જે ૧૭,૫૦૦ ફી હતી તે વધારીને ૧૯,૯૦૦ કરવામાં આવી છે. જે ફી વધારો પાછો ખેંચવાની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.