શહેરમાં પ્રતિ કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો પણ વરસાદી પાણી ભરાય નહીં તેવી આધુનિક પ્રકારની સ્ટ્રોમ વોટર લાઇન નાખી હોવાનો મ્યુનિસિપલ ઇજનેર વિભાગનો દાવો છે તેમ છતાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર થતા શહેરમાં ઓછામાં ઓછા ર૦૦ સ્થળ છે તેમાં પણ મેટ્રો રેલના કારણે આવાં સ્થળોમાં વધારો થયો છે. બીજી તરફ આખ્ખાં તળાવ ખાલી કરી શકાય તેવા તોતિંગ જેટિંગ મશીન હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ સમયસર થતો ન હોઇ ખુદ કમિશનર વિજય નહેરા ઇજનેર વિભાગના અધિકારીઓ ઉપર ખફા થયા છે.
ગઇકાલે મળેલી મ્યુનિસિપલ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં કમિશનર નહેરાએ પ્રિમોન્સૂન એકશન પ્લાનમાં દર વર્ષે રૂ.૧૦ કરોડ ખર્ચાતા હોવા છતાં તેના ફિયાસ્કાને પગલે ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં પૂરના સંકટ સમયે અમદાવાદ કોર્પોરેશન દોડી જાય છે. ગમે તેવા ભરાયેલાં વરસાદી પાણીને ઉલેચી નાખનારાં મ્યુનિસિપલ તંત્રનાં ઇજનેર વિભાગ પાસે આખ્ખાં તળાવને ખાલી કરવાની ક્ષમતા ધરાવતા જેટિંગ મશીન હોવા છતાં કેમ શહેરમાં કલાકો સુધી વરસાદી પાણી ભરાયેલાં રહે છે? તેવો તેમણે પ્રશ્ન પૂછયો હતો. કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરને પોતપોતાનાં ઝોનમાં વરસાદી પાણી ભરાવાના કાયમી સ્પોટની યાદી તૈયાર કરીને અત્યારથી વરસાદી પાણી ઝડપભેર ઉલેચાઇ જાય તેવી તૈયારી કરવાની સૂચના આપી હતી.
બીજી તરફ ગટરોની સફાઇ માટે જે તે કોન્ટ્રાક્ટર જે તે વિસ્તારમાં લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ મેળવે છે તેમ છતાં આ કોન્ટ્રાક્ટરો મેનહોલ કે કેચપિટમાંથી બહાર કાઢેલા કચરાને દિવસો સુધી ઉપાડવાની તસદી લેતા નથી.
સત્તાવાળાઓએ શહેરના કુલ ૧,૬૦,૩૬૦ મેનહોલ અને ર૯,૩૦૬ કેચપિટની પ્રિમોન્સૂન એકશન પ્લાન હેઠળ સફાઇની કામગીરી હાથ ધરી છે. જે અંતગર્ત પહેલા રાઉન્ડની કામગીરી પૂર્ણ થવાના આરે છે પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે જે તે વિસ્તારમાં મેનહોલ કે કેચપિટની સફાઇ દરમયાન બહાર કાઢેલા કચરો જ્યાંને ત્યાં દિવસો સુધી ખડકાયેલો રહે છે.
આ કચરાને જે તે વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સમયસર ઉપાડતા નથી. ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં મેનહોલ કે કેચપિટની બહાર ખડકાયેલા કચરો ફરીથી ગટર લાઇન કે સ્ટ્રોમ વોટર લાઇનમાં ઠલવાઇને તેને ચોકઅપ કરી શકે તેમ હોવા છતાં સ્થાનિક કોર્પોરેટરો પણ હજુ સુધી વેકેશનમાં મૂડમાં છે.
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રિમોન્સૂન એકશન પ્લાન હેઠળ મેનહોલ અને કેચપિટની સફાઇનો કચરો તત્કાળ ઉપાડવાની તાકીદ સંબંધિત કોન્ટ્રાક્ટરો તેમજ ઝોન ઇજનેર વિભાગના ઊચ્ચ અધિકારીઓને કરી હોવા છતાં તેની અવગણના થઇ રહી છે.