ભાવનગર પોલીસ તંત્ર, વહિવટી તંત્ર અને મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેરમાં રપ ફેબ્રુઆરીના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજરોજ એસ.પી. કચેરીએ પત્રકાર પરિષદ યોજી એસ.પી. પી.એલ. માલ અને મેયર નિમુબેન બાંભણીયાએ માહિતી આપી હતી કે, આગામી રપ ફેબ્રુઆરીના રોજ શહેરમાં ૩, પ, ૧૦ અનેુ ર૧ કિલોમીટરની મેરેથોન દોડ યોજાશે. જેમાં સ્પર્ધકોએ ભાગ લેવા ઓનલાઈન તેમજ એસ.પી. કચુેરીએથી ફોર્મ મેળવી શકે. મેરેથોનમાં ભાગ લેવા ૩ કિલોમીટર માટે રૂા.ર૦૦, પ માટે ૩૦૦, ૧૦ માટે ૪૦૦ અને ર૧ કિલોમીટર માટે રૂા.પ૦૦ ફી રાખવામાં આવી છે. તમામા સ્પર્ધકોને તંત્ર દ્વારા કીટ આપવામાં આવશે. આ મેરેથોનમાં ગત વર્ષની માફક ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત તેમજ દેશ-વિદેશના નામી-અનામી સ્પર્ધકો મોટીસંખ્યામાં ભાગ લેશે.
જવાહર મેદાનમાંથી શરૂ થનાર દોડ માટે શહેરના મુખ્ય માર્ગો સવારે ૧૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મહાપાલિકા દ્વારા દોડના રૂટ પર સાફસફાઈ તેમજ ઢોરને હટાવવા સહિતની કામગીરી હાથ ધરશે. આ વર્ષની મેરેથોન દોડમાં ૧૦ હજારથી વધુ સ્પર્ધકો જોડાય તેવી એસ.પી. માલ દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ જવાહર મેદાન ખાતે અન્ય મનોરંજન માટેની વ્યવસ્થા કરાઈ છે. મેરેથોન દોડનો મુખ્ય હેતુ તંત્ર અને લોકો વચ્ચે સંકલન બને અને લોકોનું સ્વાસ્થ્ય સારૂ બને તેમ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં એસ.પી. પી.એલ. માલ, મેયર નિમુબેન બાંભણીયા, કમિશ્નર કોઠારી, ડીવાયએસપી ઠાકર, ડે.મેયર મનભા મોરી, દંડક રાજુભાઈ રાબડીયા, વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.