ગાંધીનગરમાં ગિયોડ પાટિયા પાસે નેશનલ હાઈવે પર કાર અકસ્માતમાં અમદાવાદ કૃષ્ણનગરના દંપતીનું મોત થયું છે. મુળ ઈડરના મસાલ ગામના વતની દંપતી વતનથી ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બીએસએનલના નિવૃત કર્મચારીનું પત્ની સાથે મોત થયું છે.
અમદાવાદ કૃષ્ણનગરની નંદિપાર્ક સોસાયટીમાં રહેતાં સામંતસિંહ રમલાવત નિવૃતી જીવન જીવતા હતા. પત્ની મનહરકુંવર ઉર્ફે નંદુબા સાથે ૧૫ દિવસથી વતન રહ્યા બાદ બુધવારે તેઓ ઘરે પરત ફરતા હતા. સવારે પોતાની મારૂતિ ફન્ટી ગાડી લઈને નીકળેલું દંપતિ ગીયોડ પહોંચ્યું ત્યારે અહીં અંબાજી માતાજીના મંદિરે દર્શન માટે વળ્યું હતું. ત્યારે ગિયોડ પાટિયાથી રોડ ક્રોસ કરતાં હતા ત્યારે નેશનલ હાઈવેથી રોડ ક્રોસ કરતાં હતા ત્યારે મોટા ચિલોડા તરફથી આવતી કારના ચાલકે ફન્ટીને ટક્કર મારી હતી. કારની ટક્કરથી કાર પાસે ઉભેલી બીજી કાર સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ દંપતીને એકઠા થઈ ગયેલા લોકોએ ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક સામંતસિંહનો પુત્ર શૈલેન્દ્રસિંહ રમલાવત (૪૬ વર્ષ) એમટીએસ જમાલપુર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. તે ઘરે હતા ત્યારે સવાદશ વાગ્યાના સુમારે તેમના કાકાના દિકરાનો ફોન આવ્યો હતો અને અકસ્માત અંગે જાણ કરી હતી. ગાંધીનગર સિવિલ પહોંચેલા શૈલેન્દ્રસિંહને માતા-પિતાની લોહીથી ખરડાયેલા મૃતદેહો મળ્યા હતા. જેમાં પિતા સામંતસિંહને માથા અને છાતીના અંદરના ભાગે ઈજાઓ થયેલ હતી અને કાનમાંથી પણ લોહી આવતું હતું. તેમજ માતા મનહરકુંવરબાને ડાબી આંખની ભ્રમર ઉપર વાગેલું હતું તેમજ મોઢા તથા છાતીના ભાગે અંદરની ઈજાઓ થઈ હતી.