આભની અટારીએ સર્જાયો ગ્રહણનો અવસર

878
bhav1-2-2018-6.jpg

૧૩પ વર્ષ બાદ અતિ દુર્લભ એવું ચંદ્રગ્રહણ આજે સર્જાયુ હતું. આ ગ્રહણને લઈને ધર્મ વિજ્ઞાન તથા સામાન્ય જનતાએ અલગ-અલગ રીતે પોતાના નિત્ય કર્મ સાથે વણ્યું હતું.
સુર્યગ્રહણ, ચંદ્રગ્રહણ સહિતની ખગોળીય ઘટનાઓ લોકો માટે દુર્લભ ગણાય છે કારણ કે અવકાશમાં સર્જાતી આવી કુદરતી ઘટના ઘટતી રહે છે પરંતુ ભારત સહિત રાજ્યોમાં જલ્વેજ જોવા મળે છે. જેના કારણે લોકોમાં આવી ઘટનાઓ પ્રત્યે ખાસ્સુ આકર્ષણ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આજના ચંદ્રગ્રહણને લઈને સોશ્યલ મિડીયા, ઈન્ટરનેટ, સમાચાર માધ્યમોમાં ચર્ચાનું ખાસ કેન્દ્ર બની હતી. આજે તા.૩૧-૧ને બુધવારે મહાસુદ પૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણની વિરલ ઘટના ઘટી હતી. તમામ વયના લોકો આ બાબતને જાણવા તલ પાપડ બન્યા હતા. ખગોળની આ ઘટનાને આપણા સમાજમાં અલગ-અલગ દ્રષ્ટિકોણથી લેવામાં આવે છે. જેમાં ધર્મમાં અભિરૂચી ધરાવતા લોકો કોઈપણ પ્રકારના ગ્રહણને નિહાળવા નથી અને ગ્રહણના સમય દરમ્યાન ઈશ્વરીય ઉપાસનાઓ જપ, તપ, દાન આદીકાર્યો કરી ગ્રહણનો સમય પસાર કરે છે. જે અન્વયે આજના આ ગ્રહણને લઈને શ્રધ્ધાળુઓએ શાસ્ત્ર તથા વિદ્વાન પંડિતોની આજ્ઞા અનુસાર વિશેષ ધર્મકર્મ જપ, આદી કર્યા હતા. ગ્રહણ સમયે દરેક મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવે છે. જે અન્વયે શહેર જિલ્લાના તમામ મંદિરો તથા ધાર્મિક સ્થાનોમાં દેવદર્શન, પ્રસાદ આદી કાર્યો બંધ રખાયા હતા તથા ગ્રહણ પૂર્ણ થયે સ્નાન આદિ કાર્યો દ્વારા તન-મનની શુધ્ધી કરી ઈશ્વરના આશિર્વાદ મેળવ્યા હતા. એ જ રીતે અવકાશી ઘટનાના જાણકારો તથા જીજ્ઞાસુઓ ટેલીસ્કોપ, દુરબીન આદી અત્યાધુનિક સાધનોની મદદ વડે સંપૂર્ણ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું. શહેરના તખ્તેશ્વર ખાતે પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે ચંદ્રગ્રહણનો નજારો નિહાળવા તથા બાળકો માટે પ્રસંગ અનુરૂપ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢળતી સંધ્યા સાથે શરૂ થયેલ ગ્રહણમાં એક સમયે ચંદ્ર તેની મુળ દેખાવ કરતા વિશાળ દ્રષ્ટિગોચર થયો હતો તેમજ કલર ફૂલ જણાયો હતો. આ ઘટનાને લોકોએ નિહાળી રોમાંચની અનુભૂતિ કરી હતી. ખગોળ વિજ્ઞાનીઓએ વિદ્યાર્થીઓ તથા સામાન્ય લોકોને સચોટ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Previous article સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં ૩૧ ઠરાવોને બહાલી
Next articleમહાપાલિકાના રંગમંચોમાં સીસીટીવી લગાડવા નિર્ણય