ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદનો પ્રારંભ થતાની સાથે જ વીજ ટ્રાન્સફોર્મર અને વીજપોલમાં શોક આવવાનાં બનાવો શરૂ થયા છે. જેમાં આજે ૩ આખલા અને ૧ ગાયનું વીજ કરંટ લાગતા મોત થયેલ ત્યારે વીજ કંપની દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
ચોમાસાના પ્રારંભ થતા વરસાદનાં પગલે આજે શહેરનાં દેસાઇનગર પાસે વીજ થાંભલાને અડી જતા ત્રણ આખલાનાં ઘરના સ્થળે જ મોત થયા હતા જ્યારે અધેવાડા નજીક લીલા નેનો પાસે વીજ ટ્રાન્સફોર્મરને અડી જતા એક ગાયનું મોત થયું હતું. આ બનાવની માલધારીઓ તથા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે કાળઝાળ ગરમીમાં કલાકો સુધી વીજ પૂરવઠો બંધ રાખીને પ્રિમોન્સુન કામગીરી કરી હોવા છતાં વીજ કરંટનાં બનાવો વરસાદ આવતાની સાથે જ શરૂ થતા વીજકંપનીની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ જગ્યાએ કોઇ વ્યક્તિને વીજશોક લાગ્યો હોત તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.