આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં વરસાદ વિલન બનવાના કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. એકબાજુ ક્રિકેટ ચાહકોને નિરાશા હાથ લાગી રહી છે. બીજી બાજુ મેચ ધોવાઈ જવાના પરિણામ સ્વરુપે બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાને મોટો ફટકો પડી ગયો છે. બ્રોડકાસ્ટરને એડમાં નુકસાનનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાના લોકોનું કહેવું છે કે, જો ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ વિલન બનશે તો નુકસાનનો આંકડો ખુબ વધી શકે છે. તમામ લોકો જાણે છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ઉપર તમામ ક્રિકેટ ચાહકોની નજર કેન્દ્રીત થઇ ગઇ છે. એડ માટે પણ કંપનીઓ વચ્ચે પડાપડી થઇ રહી છે. જો આવતીકાલની મેચ જે ઓલ્ડટ્રેફર્ટ માન્ચેસ્ટર ખાતે રમાનાર છે તે મેચમાં વરસાદ વિલન બનશે તો એડમાં રેવેન્યુ નુકસાનનો આંકડો ૨૦૦ કરોડની આસપાસ પહોંચી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, વરસાદની તકો ૬૦ ટકા રહેલી છે. આ જગ્યા ઉપર બંને ટીમો આમને સામને આવનાર છે. હજુ સુધી પાંચ મેચોને વર્લ્ડકપમાં અસર થઇ ચુકી છે જે પૈકી ત્રણ મેચ એક પણ બોલ ફેંક્યા વગર પડતી મુકવાની ફરજ પડી છે. સ્ટારને આઈસીસી ઇવેન્ટના અધિકારો ૧.૮૫ અબજ ડોલરમાં આઠ વર્ષ માટે મળ્યા છે. ૫૦૦ મિલિયન ડોલરની રકમ અથવા તો ૨૭ ટકા રકમ વર્લ્ડકપમાં ફાળવવામાં આવી છે. પાકિસ્તાન સાથેની એક મેચ સિવાય ભારતીય મેચો ૬૫થી ૭૫ કરોડ રૂપિયામાં વેચાઈ છે. બિન ઇન્ડિયાની મેચોની કિંમત પાંચથી સાત કરોડ રૂપિયાની રહી છે. સ્ટાર દ્વારા આઈસીસીને ચુકવણી કરવામાં આવનાર છે જ્યારે જાહેરાત આપનાર લોકો હવે ધોવાઈ ગયેલી મેચો માટે ચુકવણી કરનાર નથી. ક્લેઇમ ઇન્સ્યોરન્સને લઇને પણ ચર્ચા ચાલી રહી છે જેના પેમેન્ટમાં વિલંબ થઇ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન ૬૦ ટકા સુધી વરસાદની શક્યતા હોવાથી આને લઇને પહેલાથી જ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી. બંને દેશોના તંગ સંબંધોના લીધે આ સ્થિતિ સર્જાયેલી છે. માત્ર આઈસીસી ટુર્નામેન્ટોમાં જ બંને ટીમો આમને સામને આવી રહી છે. આવી સ્થિતિમાં જો આ મેચ ધોવાઈ જશે તો ક્રિકેટ ચાહકોની સાથે સાથે બ્રોડકાસ્ટરને પણ મોટો ફટકો પડશે.