એમ.એસ. યુનિવર્સીટી દ્વારા કોમર્સ ફેકલ્ટીની હાયર પેમેન્ટ બેઠકમાં કરવામાં આવેલા ફી વધારાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ એન.એસ.યુ.આઇ. દ્વારા કોમર્સ ફેકલ્ટીને તાળા મારી દેવામાં આવ્યા હતા. યુ.જી.એસ. સહિત વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીને તાળાં મારતા રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ, યુનિ. સિક્યુરીટી અને પોલીસ દોડી આવી હતી. એમ.એસ.યુનિવર્સીટીના જી.એસ. અને એન.એસ.યુ.આઇ.ના અગ્રણી વ્રજ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીની પેમેન્ટ બેઠક ઉપર રૂપિયા ૨૨૦૦ અને ઓનર્સ કોર્સમાં રૂપિયા ૫૦૦૦ જેટલો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ફી વધારાના મુદ્દે એન.એસ.યુ.આઇ. દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ, યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા સકારાત્મક જવાબ ન આપતા આજે સાયન્સ ફેકલ્ટીના જી.એસ. નિતીનસિંગ બારડ અને કૃપલ પટેલ સહિત વિદ્યાર્થી અગ્રણીઓ સાથે કોમર્મ ફેકલ્ટીને તાળાં મારી ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને યુનિટ બિલ્ડીંગને તાળાં માર્યા બાદ રજિસ્ટારને બોલાવવામાં આવ્યા હતા. અને ફી વધારો પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી.