વાયુ વાવાઝોડાની અસરને કારણે હાલમાં વીજ કંપની પર માઠી અસર થઈ છે. બે દિવસમાં ૫૫૮ ફીડર પ્રભાવિત થયાં હતા. જામનગર અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ૫૪૬ ગામડાઓ પ્રભાવિત બન્યા હતા. બે દિવસમાં કુલ ૮૨ વીજ વીજ પોલ ધરાશાઈ થઈ ગયા હતા. આમ વીજ કંપનીને રૂપિયા ૧૭.૪૮ લાખનો ધૂંબો લાગ્યો છે. વાયુ વાવાઝોડાની અસરને કારણે ૫૫૮ ફિડરને અસર થઇ હતી. ફીડરને અસર થતાં ગામડાઓમાં વીજળી ગૂલ થઇ હતી. ભારે પવનોના કારણે જામનગર જિલ્લામાં વીજતંત્રના ૨૮ થાંભલા પડી ગયા હતાં. જયારે ૭૨ થાંભલાઓ નમી ગયા હતાં. પીજીવીસીએલના કર્મચારીઓ ફીડર, વીજથાંભલા સહીતની સાધનસામગ્રી રીપેરીંગ કરવામાં વ્યસ્ત છે, જે ગામડાઓમાં લાઇટો નથી ત્યાં રીપેરીંગ કામ ચાલી રહ્યુ છે.
વરસાદના પગલે બે દિવસ પાવર સપ્લાય ઠપ્પ થવાની અસંખ્ય ફરિયાદો સર્જાઇ જતાં વડોદરાની વડી કચેરી દ્વારા વડોદરાથી ૪ મજુરો, બે ટેકનિશ્યનો અને એક ઇજનર ધરાવતી ૮ ટુકડીઓ આવી હતી. ૧૫ ટુકડીઓ સુરેન્દ્રનગરથી ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે મોકલી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષ વીજ કંપનીને વરસાદ, વાવાઝોડું, ભારે પવન કે અન્ય કારણોસર લાખો રૂપિયાનું નુકશાન થતું હોય છે. આમ છતાં વીજકંપનીના ટ્રાન્સફોમર, વીજપોલ અને વીજલાઈનો કોઈપણ પ્રકારનો વીમો નથી. વીજકંપનીનું નેટવર્ક વિશાલ હોય વીમો લેવો શક્ય ન હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે.