વિજાપુરના રણાસણ ગામની પીટીસી પાસ યુવતીને નોકરીની લાલચ આપી રૂ.ચાર લાખ પડાવી છેતરપિંડી કરનાર ગામના જ રાવલ યોગેશ રવિશંકરને વિજાપુરના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે એક વર્ષની સજા અને રૂ.૧૦ હજારનો દંડ તેમજ રૂ.ચાર લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.
રણાસણ ગામના પટેલ જ્યંતીભાઇ માધવલાલની પુત્રી કિંજલે પીટીસી કરેલું હોઇ નોકરીની શોધમાં હતા, તે સમયે ગામના યોગેશ રવિશંકર રાવલે ગાંધીનગરમાં મોટી ઓળખાણ હોવાનું કહી કિંજલને નોકરી માટે રૂ.૪ લાખ આપ્યા હતા.
ઘણો સમય થવા છતાં નોકરી નહીં અપાવતાં આપેલા નાણાં પરત માગતાં યોગેશ રાવલે આપેલા કોર્પોરેશન બેન્ક ઉધોગ ભવન ગાંધીનગર શાખાના રૂ.બે-બે લાખના બે ચેક પાછા ફરતાં તેમણે ૨૦૧૨માં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ વિજાપુર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીજ્ઞેશકુમાર ભટ્ટની અદાલતમાં ચાલી જતાં યોગેશ રાવલને એક વર્ષની સજા અને રૂ.૧૦ હજારનો દંડ તેમજ રૂ.ચાર લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદ પક્ષે એ.સી. ગોસ્વામીએ દલીલો કરી હતી.