રાજકીય હિંસા ઉપર રિપોર્ટ આપવાનો મમતાને આદેશ

448

પશ્ચિમ બંગાળમાં તબીબો સાથે મારામારીના મામલાના કારણે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. તબીબોની હડતાળને લઇને કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટની માંગ કરી છે. એટલું જ નહીં ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી સરકાર પાસેથી ૨૦૧૬થી લઇને ૨૦૧૯ વચ્ચે થયેલી રાજકીય હિંસાને લઇને પણ અહેવાલની માંગ કરી છે. કેન્દ્ર સરકારે મમતા સરકારને પ્રશ્ન કર્યો છે કે, આખરે તબીબોની હડતાળનો અંત લાવવા અને રાજકીય હિંસા પર અંકુશ મુકવા માટે કેમ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. આ મામલામાં તપાસ કરવા અને દોષિતોને સજા કરવા જેવા પગલા કેમ લેવાઈ રહ્યા નથી. આ સંબંધમાં એક રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સતત હિંસા થઇ રહી છે જેના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬થી લઇને ૨૦૧૯ વચ્ચે ચૂંટણી હિંસા, રાજકીય હિંસા અને લોકોના મોતની વધતી જતી ઘટનાઓ તરફ ઇસારો કરતા કહ્યું છે કે, રાજ્ય સરકારને સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સતત થઇ રહેલી હિંસા ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારે મમતા બેનર્જી પાસે રિપોર્ટની માંગ કરીને તેના ઉપર દબાણ વધારી દીધું છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયને મળેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બંગાળમાં હિંસાની ઘટનાઓ વર્ષ ૨૦૧૬ના ૫૦૯ની સામે ૨૦૧૮માં વધીને ૧૦૩૫ સુધી પહોંચી ગઈ છે. ૨૦૧૯માં હિંસાની ૭૭૩ ઘટનાઓ બની ચુકી છે. રાજ્યમાં આ પ્રકારની હિંસામાં ૨૦૧૬માં ૩૬ લોકોના અને ૨૦૧૮માં ૯૬ લોકોના મોત થઇ ચુક્યા છે. ૨૦૧૯માં હજુ સુધી ૨૬ લોોકના મોત થઇ ચુક્યા છે. ગૃહમંત્રાલયનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૬માં જારી હિંસાનો પ્રવાહ દર્શાવે છે કે, રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા અને લોકોની સુરક્ષા તરફથ ધ્યાન આપવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારને કહ્યું છે કે, તે પોતાના રિપોર્ટમાં હજુ સુધીની રાજકીય હિંસાને રોકવા લેવામાં આવેલા પગલા, તપાસ અને દોષિતોને સજા કરવાના સંદર્ભમાં માહિતી આપે તે જરૂરી છે. આ તમામ માહિતી માંગીને મમતા બેનર્જી સરકાર પર કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દબાણ વધારી દેવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના કાર્યકરો વચ્ચે ભારે હિંસા થઇ હતી. ચૂંટમીમાં દરેક તબક્કામાં હિંસા થઇ હતી. ઉંચા મતદાન છતાં ભંગાળમાં ચૂંટણી રક્તપાત રહી હતી. બંગાળમાં હિંસાની વધતી જતી ઘટના વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આવા કોઇ સંકેત અપાયા નથી.

Previous articleગૃહમાં મનમોહનસિંહ અને દેવગૌડા આ વખતે નહીં રહે
Next articleભારતને હવે પ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી શકાય છે : મોદી