રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી મિટિંગ આજે મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ સુધી ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના કદના અર્થતંત્ર બનાવવાનો ઉદેશ્ય પડકારરુપ છે પરંતુ આ ઉદ્દેશ્યને હાંસલ કરી શકાય છે. રાજ્યોના સંયુક્ત પ્રયાસો પણ આના માટે જરૂરી રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રી આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોદીએ નીતિ આયોગમાં ભારપૂર્વક કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને પરિપૂર્ણ કરવામાં નીતિ આયોગની ચાવીરુપ ભૂમિકા રહેલી છે. આ મિટિંગમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ કહ્યું હતું કે, હવે અમે પરફોર્મન્સ, ટ્રાન્સપરન્ટી અને ડિલિવરીના આધાર પર ગવર્નન્સ સિસ્ટમની દિશામાં આગળ વધી રહ્યા છે. સ્કીમોના જમીની અમલીકરણ અંગે આગળ વધવાની જરૂર છે. તમામ સ્કીમોને વહેલીતકે અમલી કરીને તેના લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે. ગવર્નિંગ કાઉન્સિલના તમામ સભ્યોને સરકારી માળખુ રચવા મદદરુપ થવાની અપીલ કરી હતી. લોકોના વિશ્વાસ માટે કામ કરવાનો સમય છે. હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઇ છે.
હવે ભારતના વિકાસ માટે દરેક વ્યક્તિને સાથે મળીને કામ કરવાનો સમય આવી ગયો છે.
નીતિ આયોગની આ બેઠકમાં મોદીએ ભ્રષ્ટાચાર, બેરોજગારી, દુકાળ, પુર, વસતી અને હિંસાની સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે યાદ અપાવતા કહ્યું હતું કે, ૨૦૨૪ સુધી ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા આડે પડકાર ઘણા છે પરંતુ આ પડકારને હાંસલ કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોએ તેમની મહત્વની ભૂમિકા અદા કરવી જોઇએ. જિલ્લા સ્તરથી જીડીપી ટાર્ગેટને વધારવાની દિશામાં કામ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશના ઘણા ભાગોમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે અસરકારક પગલા જરૂરી બન્યા છે. પર ડ્રોપ મોર ક્રોપની વ્યૂહરચના સાથે આગળ વધવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં જ રચવામાં આવેલા નવા જળશક્તિ મંત્રાલયના લીધે પાણી પ્રત્યે ઇન્ટીગ્રેટેડ અભિગમ અપનાવી શકાશે. રાજ્યો પણ કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ તરફ પોતાની ભૂમિકા અદા કરી શકે છે. પાણીના સંગ્રહ અને જતનની દિશામાં વધુ કામ કરવાની જરૂર છે.