અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા હવે મંદિરો સહિત તમામ ધર્મસ્થાનો પાસેથી સફાઇ કર વસૂલવાની દિશામાં બહુ મહત્વની કવાયત હાથ ધરવામાં આવી છે. જો ધાર્મિકસ્થાનોમાં કોઇ રહેતુ હશે તો રહેણાંકના ધોરણે અને નહી રહેતું હોય તો, બિનરહેણાંક ગણી તે મુજબનો કર વસૂલવામાં આવશે. અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા તા.૧-૧૦-૨૦૧૮થી શહેરીજનો પાસેથી જે તે મિલકતના પ્રકાર મુજબ, સફાઇ કર(યુઝર્સ ચાર્જ) વસૂલવાની નીતિ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, રહેણાંક મિલકતોમાં પ્રતિ દિવસનો એક રૂપિયો અને બિનરહેણાંક મિલકતોમાં પ્રતિ દિવસ બે રૂપિયા વસૂલવાનું નક્કી કરાયું હતું. આ સફાઇ કર જે તે કરદાતાના પ્રોપર્ટી ટેક્સના બીલમાં પણ સામેલ કરવાની જોગવાઇ ઉમેરાઇ હતી. જો કે, અત્યારસુધી ધાર્મિક સ્થાનો પાસેથી કોઇ પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવતો ન હતો પરંતુ હવે સફાઇ કર હેઠળ તેઓને પણ આવરી લેવાશે અને તે મુજબ પ્રોપર્ટી ટેક્સના બીલ આપવામાં આવશે. મ્યુનિસિલપ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઇ કર વસૂલવા માટે મૂકાયેલી દરખાસ્તને અગાઉ ગત તા.૧૪-૯-૨૦૧૮ના રોજ સ્ટેન્ડીંગ કમીટીએ મંજૂરી આપી દીધી હતી પરંતુ હવે આ કરની વસૂલાતની કવાયત હવે હાથ ધરવામાં આવનાર છે.
અમ્યુકોના ઇતિહાસમાં સૌપ્રથમવાર હવે મંદિર, મસ્જિદ, દેરાસર, ગુરૂદ્વારા, ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પાસેથી પણ સફાઇ કરની વસૂલાત કરવામાં આવશે. જે ધાર્મિક સ્થાનોમાં પૂજારી કે અન્ય સારસંભાળ કરનારી વ્યકિત રહેતી હશે તો તેવા ધાર્મિક સ્થાનને રહેણાંક મિલકતમાં ગણીને ત્યાંથી વાર્ષિક રૂ.૩૬૫ લેખે સફાઇ કરની વસૂલાત કરાશે, જયારે કોઇ રહેતુ ના હોય તેવા અન્ય ધાર્મિક સ્થાનોને બિનરહેણાંક મિલ્કતમાં ગણી તે મુજબનો સફાઇ કર વસૂલવામાં આવશે. હવે મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા શહેરના આવા આશરે પાંચ હજાર જેટલા ધાર્મિક સ્થાનો માટેના સફાઇ કરના બીલ પણ તૈયાર થઇ રહ્યા છે, જેને લઇ અમ્યુકો તંત્ર યુઝર્સ ચાર્જ વસૂલવાની તેની આ કવાયત તેજ બનાવશે તેવું લાગી રહ્યું છે.