ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ભાવનગર શહેર અને જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો.
વાયુ વાવાઝોડાની અસરના પગલે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભાવનગર શહેરમાં પણ આજે વહેલી સવારૈે છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો.
ભાવનગર ઉપરાંત જિલ્લાના ગારીયાધાર, ઘોઘા, જેસર, તળાજા, પાલિતાણા અને મહુવા પંથકમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ભાવનગરમાં ત્રણ ઇંચ, તળાજામાં સાડા ત્રણ ઇંચ, મહુવામાં પોણા ત્રણ ઇંચ, વલ્લભીપુર, ઉમરાળા, ગારીયાધાર અને જેસર પંથકમાં દોઢ ઇંચ, ઘોઘામાં એક ઇંચ અને સિહોરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.