ભાવનગર શહેરનાં કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા અને કલર કામનો વ્યવસાય કરતા પરપ્રાંતિય પરિવારની ત્રણ દિકરીઓ ગત તા.૧૧ના રોજ વહેલી સવારે ઘરેથી ગુમ થયાની બોરતળાવ પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય દિકરીઓની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે. જો કે આજે ચોથા દિવસે પણ હજુ કોઇ સગડ મળ્યા ન હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુરનાં વતની અને ભાવનગર શહેરના કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં રહેતા અને કલર કામ કરી પરીવારનું ગુજરાન કરતા રાજકુમાર બ્રિજમલ્લા સહાની નામના પરપ્રાંતિયની ત્રણ દિકરીઓ રાનુ (ઉ.વ.૨૧), નીલુ (ઉ.વ.૧૭.૫) તથા અનુ (ઉ.વ.૧૪) ગત તા.૧૧ના રોજ વહેલી સવારે ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થયેલ જેની પરિવારજનોએ જાતે શોધખોળ કરતા મળી આવેલ ન હોય તા.૧૨ના રોજ બોરતળાવ પો.સ્ટે.માં ત્રણેય દિકરીઓ ગુમ થયાની ફરીયાદ કરતા પોલીસે અરજી સ્વીકારીને તપાસ એએસઆઇ ડી.એ.વાળા ચલાવી રહ્યા છે.
તપાસ અધિકારી ડી.એ.વાળાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે ત્રણેય દિકરીઓના ગુમ થયાનાં સંદેશા તમામ પો.સ્ટે.માં જાણ કરી દેવાઇ છે. અને તમામ સ્થળોએ શોધખોળ શરૂ કરાઇ છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેના પિતાએ ઠપકો આપતા લાગી આવતા યુવતીઓ ચાલી ગઇ છે. પરંતુ પોલીસ દ્વારા તેને શોધવાનાં તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે.