શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સતત વધતો જાય છે. તાજેતરમાં પૂર્વ અમદાવાદમાં રખડતી ગાયની અડફેટે ચઢવાથી એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો એક વૃદ્ધા ગંભીર રીતે ઘવાયાં હતાં. આ ઉપરાંત બે દિવસ પહેલાં રોડ પર ગાય-વાછરડાં ખુલ્લા છોડનાર મોટેરાના પશુપાલક વિરુદ્ધમાં પોલીસે ગુનો નોંધ્યો હતો.
બીજી તરફ રખડતાં પશુઓની મૂવમેન્ટ ટ્રેક કરવા મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ટેગ લગાવવાની કાર્યવાહી હાથ ધરી હોઇ અત્યાર સુધીમાં ૧રપ૦થી વધુ પશુમાં ટેગ લગાવાયા છે. રજિસ્ટ્રેશન કરાવાયેલાં પશુઓમાં (રેડિયો ફિકવન્સી આઇડેન્ટિફિકેશન ડેટા) ટેગ લગાવવાની કામગીરી હેઠળ શહેરના સાત ઝોનની સાત ટીમ બનાવીને પશુ રાખવાનાં સ્થળોએ રૂબરૂ મુલાકાત કરીને ટેગ લગાવાઇ રહ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ પશુઓમાં ટેગ લગાવવા માટે ઇન્જેક્ટિબલ ઇન્જેકશનનો ઉપયોગ થાય છે.
સત્તાવાળાઓએ એજિસ્ટા પ્રાઇવેટ લિ. પાસેથી પ્રતિ ઇન્જેકશન રૂ.૧૩પ વત્તા ટેકસ મુજબની કિંમત ધરાવતા પ૦,૦૦૦થી પશુ માટે ટેગનો જથ્થો મેળવાયો છે. આશરે રૂ.૧.૦૯ કરોડના ખર્ચે આ પ્રોજેકટ હાથ ધરાયો છે. પ્રત્યેક ટેગમાં યુનિક આઇડેન્ટિફિકેશન નંબર હોઇ મોનિટરિંગ કરી શકાશે. જેના કારણે પશુપાલક દ્વારા શહેરના રસ્તા પર જો પશુને રખડતું મુકાશે તો તેના યુનિક આઇડેન્ટિફિકેશન નંબરને સ્કેનર મારફતે સ્કેન કરીને આઇડેન્ટિ ફાઇ કરી શકાશે. એટલે કે આ પશુ પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર રખડતું મુકાયું છે કે કેમ? કે પછી કોઇ એક પશુપાલક દ્વારા ચોક્કસ સમયગાળામાં એકથી વધારે પશુઓને રસ્તા પર એકથી વધુ વખત રખડતાં મુકાયા તેવી બાબતોનું મોનિટરિંગ થઇ શકશે.