અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ, ૫૬ મુસાફરોનો બચાવ

697

બોરસદથી મુંબઈ જતી લક્ઝરી બસમાં શનિવારે સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આંકલાવડી ગામ પાસે બસમાં આગ ભભૂકી ઊઠી હતી. બસના ચાલકની સમય-સૂચકતાને કારણે બસમાંના ૫૬ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ભરૃચની દિવ્યા ટ્રાવેલ્સની લક્ઝરી બસને આણંદની રાજધાની ટ્રાવેલ્સે મેળવી બોરસદથી મુંબઈ જવા માટે મોકલી હતી. લક્ઝરી બસના ચાલક હૈદરભાઈ બસને બોરસદથી લઈ મુંબઈ જવા નીકળ્યા હતા. લક્ઝરી બસમાં ૫૬ મુસાફરો હતો. આ મુસાફરો ફરવા માટે મુંબઈ જતા હતા.

શનિવારે સાંજે પાંચ કલાકની આસપાસ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર આવેલા આંકલાવડી ગામ પાસેથી બસ પસાર થતી હતી ત્યારે બસના એન્જિનમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ ધુમાડા જોતાં જ બસ ચાલક હૈદરભાઈએ બસને રોડની બાજુ પર ઊભી રાખી હતી.

બસમાંના મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર નીકળીને સલામત સ્થળે ચાલ્યા જવા માટે સૂચના આપી હતી. બસમાંના કેટલાક મુસાફરો તેમનો સામાન લઈને ઊતરી ગયા હતા, જ્યારે કેટલાક મુસાફરો ઉતાવળમાં સામાન લેવાનું ભૂલી ગયા હતા.

વડોદરા જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૃમને બસના ચાલક દ્વારા આગના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ કન્ટ્રોલ દ્વારા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ વડોદરાથી ૨૫ કિમી દૂર હતું, જ્યારે આણંદથી ૧૦ કિમી હોવાથી વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા આ અંગેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.

આણંદ ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી જઇ આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે તેઓ કામગીરી હાથ ધરે તે પહેલાં આગની જ્વાળોએ બસને લપેટમાં લઈ લીધી હતી. જેમાં બસમાંથી સામાન લેવાનું ભૂલી ગયેલા લોકોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

Previous articleગાય સહિત પશુઓની મૂવમેન્ટ ટ્રેક કરવા ૧રપ૦ RFID ટેગ લગાવાયા
Next articleપહેલા વરસાદે મહેસાણા પાલિકાની પોલ ખુલી, નાળામાં ઓટો રીક્ષા ફસાઈ