યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરી રાજોપચારી મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે.
યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરી રાજોપચારી મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાન સન્મુખ થતી મહાપૂજાના સ્થળમાં ફેરફાર કરી આ પૂજા મંદિર બહાર ચોકમાં બનાવાયેલી યજ્ઞશાળામાં કરવાના નિર્ણયથી મહાપૂજા કરાવતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. સાથે સાથે રાજોપચારી પૂજા કરાવતા ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને પગલે ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી ભગવાન શામળાજી સન્મુખ રાજોપચારી મહાપૂજા કરવામાં આવતી હતી. આ પૂજા વર્ષો પહેલા તત્કાલીન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વિદ્વાન શાસ્ત્રી સ્વ શુકદેવજી મહારાજ દ્વારા ઠાકોરજીની સેવા માટે ચાલુ કરાવામાં આવી હતી. શરૂઆતમાં આ પૂજા મહિનાની વદ અને સુદ બારસના દિવસે કરવામાં આવતી હતી. જેમાં ૭ ભૂદેવો દ્વારા સોલસોપચાર મંત્રો દ્વારા પાતરા સાધન પૂજા ઠાકોરજી સન્મુખ કરવામાં આવતી હોય છે. જેના પાછળનો મુખ્ય આશય હતો કે, ભગવાન સન્મુખ પૂજાથી એક હકારાત્મક ઉર્જાની સાથે ઠાકોરજીના તેજમાં વધારો થાય. પરંતુ આ પૂજા મંદિરમાં ઠાકોરજી સન્મુખ બંધ કરવામાં આવતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે.
આ પૂજા વર્ષોથી ચાલી આવતી હતી. સમય જતાં આ પૂજા ભક્તો પણ કરાવવા લાગ્યા. હાલ આ પૂજા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૧ હજાર ભેટ લેવામાં આવી રહી છે.
વર્ષો પહેલા આખા વર્ષમાં માત્ર ૨૪ પૂજાઓ થતી હતી. જે હવે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનતા હાલ વર્ષે ૭૦થી વધુ પૂજાઓ ભક્તો કરાવે છે. ત્યારે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલી આ મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. ભગવાન સન્મુખ થતી મહાપૂજા હવેથી મંદિર બહાર ચોકમાં બનાવાયેલ યજ્ઞશાળામાં કરવાનો તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે.