ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી જીતી જતા ગુજરાતમાં આગામી ૫ જુલાઈએ રાજ્યસભાની બંને બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ખાલી બેઠકો પર ધારાસભ્યોની સંખ્યાના બળને જોતા બંને પક્ષને એક એક બેઠક મળે તેમ હતી. જોકે, ચૂંટણી પંચના જાહેરનામા મુજબ બંને બેઠકો પર અલગ અલગ મતદાન થવાનું હોવાથી બંને બેઠકો ભાજપ જીતે તેવી વકી છે. આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરામાં એક પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે અમે ચૂંટણીપંચના દાવાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. ચૂંટણી પંચે સત્તાના દબાણ હેઠળ આ નિર્ણય લીધો હતો.
ચાવડાએ કહ્યું, અમે ચૂંટણી પંચની પારદર્શીતા પર સવાલ ઉઠાવ્યા હતા, ભાજપે સત્તાનો દૂરઉપયોગ કરી ચૂંટણીનું મતદાન અલગ અલગ કરાવ્યું છે. અમે સત્તાનો દુરઉપયોગ થશે તેવી આશંકાએ રાજ્યસભાના ચેરમેન અને ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે બંને સીટની ચૂંટણી એકસાથે યોજાય તો બંને પક્ષને એક એક સીટ મળે.ચવાડાએ વધુમાં કહ્યું, “બંને સીટ ભાજપ જીતે તે માટે ચૂંટણી પંચે અમારી આશંકા મુજબ જે જાહેરનામુ બહાર પાડ્યું છે તેને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.
જેવી રીતે જાહેરનામામાં કોર્ટના આદેશને ટાંકવામાં આવ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે ચૂંટણી પંચે સરકારના દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે.