સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે પણ વરસાદી માહોલ જોરદાર રીતે જામેલો રહ્યો હતો. બીજી બાજુ ભારેથી અતિભારેની ચેતવણી પણ તંત્ર દ્વારા અંકબંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો પોરબંદર, દેવભૂમિ દ્ધારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ જારી રહી શકે છે. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જારી રહી શકે છે. પાટણ, મહેસાણા, અરવલ્લીમાં પણ ભારે વરસાદના ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદી માહોલના પરિણામ સ્વરૂપે સૌરાષ્ટ્ર કચ્છના જુદા જુદા ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે અમરેલ્લીમાં મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી, રાજકોટમાં ૩૬.૫ ડિગ્રી, તાપમાન રહ્યું હતું. દ્ધારકામાં ૩૧ ડિગ્રી તાપમાન રહ્યું હતું. વાયુ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજુલા અને જાફરાબાદ પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજુલા, જાફરાબાદ, માંગરોળ, માળિયા, કેશોદ, ભાવનગર જિલ્લામાં ભાવનગર, ગારિયાધાર, મહુવા, ઘોઘા, જેસર, તળાજા, પાલિતાણા અને ઉમરાળા, બોટાદના ગઢડા સહિતના અનેક પંથકોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા નોંધાયા હતા. તો સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, સહિતના અનેક પંથકોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજયમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રના અનેક પંથકો અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા હતા.
તો, દક્ષિણ ગુજરાતમાં સુરતના કામરેજ અને પલસાણા, ઓલપાડ, નવસારીના ગણદેવી, ચીખલી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમ્યાન સારો એવો વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને તોફાની વરસાદના કારણે રાજયના અનેક વિસ્તારો અને પંથકોમાં વૃક્ષો, વીજથાંભલાઓ, હોર્ડિંગ્સ પડવાના બનાવો પણ નોંધાયા હતા. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક પંથકો અને વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલના કારણે સૌરાષ્ટ્ર પંથકની નદીઓ અને ચેકડેમો જાણે છલકાયા છે તો, રાજયના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે રાજયમાં કેટલાય વિસ્તારોમાં વૃક્ષો અને વીજથાંભલાઓ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. બીજીબાજુ, વરસાદી માહોલ વચ્ચે વાયુ વાવાઝોડું પોરબંદરથી દરિયામાં પશ્ચિમ-દક્ષિણ દિશામાં આગળ વધ્યું છે, જે સાયક્લોનીક સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને આવતીકાલે તા.૧૭ જૂને કચ્છનાં દરિયાકાંઠે ડિપ્રેશનનાં રૂપમાં પહોંચશે. જેની અસરોથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં તા.૧૬થી ૧૮ જૂન સુધી હજુ હળવોથી મધ્યમ વરસાદ પડશે. જયારે અમદાવાદમાં હજુ બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની શકયતા છે. જો કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસું જૂનનાં છેલ્લા અઠવાડિયાથી લઇ જુલાઇના પ્રથમ અઠવાડિયામાં બેસવાની પ્રબળ શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, વાયુ વાવાઝોડ પોરબંદરથી દરિયામાં પશ્ચિમ-દક્ષિણ દિશા તરફ આગળ વધી ગયું છે, જેથી ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી છે. બીજીબાજુ, કચ્છ પરથી વાવાઝોડુ પસાર થઇ જાય ત્યાં સુધી રાજય સરકાર અને તંત્ર એકદમ હાઇએલર્ટ પર છે.