ગારિયાધાર શહેરમાં તાલુકા સેવા સદનનું લોકાર્પણ તો થયું પરંતુ કાર્યરત ન થતા નગરજનોએ મુખ્યમંત્રીને ટપાલો લખી પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી છે.
ગારીયાધાર શહેરમાં સાવ સાંકડા મકાનમાં ચાલતી મામલતદાર કચેરી તથા પ્રજાલક્ષી કામોના વિવિધ વિભાગોની કચેરીઓ જેમકે સબ રજીસ્ટ્રાર, ઇદરા, પૂરવઠા વિભાગ, મહેસુલ વિભાગ, સહિતની શાખા સાવ જર્જરીત તથા સાંકડા મકાનમાં ચાલતી હતી. જેને પગલે નેતાગણની રજૂઆતોને ધ્યાને લઇ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે નવી વિશાળ બિલ્ડીંગ ઉભી કરીને લોકાર્પણ તો કરાયું પરંતુ લોકાર્પણ બાદ આ ઓફીસ કાર્યરત ન થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જ્યારે આ બાબતે ગારીયાધાર શહેર તથા તાલુકાના સામાજીક આગેવાનો દ્વારા પણ તંત્રના આશ્વાસનથઈ થાકી હારીને આ મામલે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યએ ટપાલ થકી ૫૦૦ જેટલી ટપાલોમાં આ પ્રમાણે રજુઆત કરી પોસ્ટકાર્ડ ઝુંબેશ ચલાવી હોવાનું જાણવા મળેલ.
નોંધનીય બાબત છે કે તંત્ર દ્વારા ઘણી ખરી એવી મહત્વની બાબતો છે કે એકબીજા વિભાગોના ગુંચવાડામાં અટવાઇ જતી હોય છે. જ્યારે આ બાબતમાં કરોડોના ખર્ચે વિશાળ બિલ્ડીંગ તો અત્રેની પાલીતાણા રોડ પર તમામ સુવિધા સાથે અડીખમ ઉભું છે પરંતુ જે હેતુથી નિર્માણ થયું તે હેતુમાં હજુ સુધી ઉપયોગમાં ન લેવાથી તંત્રની કામગીરીનો અંદાજે તો નગરજનોને આવી જ ગયો છે. વળી મુખ્યમંત્રી કક્ષા સુધી આવી ઝૂંબેશો પણ લોકો ને ચલાવવી પડે છે. જ્યારે આટલી આટલી રજુઆતો તથા ઝુંબેશોનું પરીણામ નગરજનોને મળશે કે પછી રાબેતા મુજબ તંત્ર જેસેથેની સ્થિતિમાં ચાલશે ? તે જોવું રહ્યું.