ભાવનગર જિલ્લાના પાલીતાણા તથા ગારિયાધાર પંથકમાં પીજીવીસીએલના તંત્રએ ચેકીંગ હાથ ધરતા રૂા.૧પ.૭૧ લાખની વિજ ચોરી ઝડપાઈ જવા પામી છે. આ કામગીરીના પગલે વિજ ચોરી આચરતા તત્વોમાં ભય વ્યાપ્યો છે.
ભાવનગર પીજીવીસીએલ હેડ ઓફિસ દ્વારા પાલીતાણા તથા ગારિયાધાર તાલુકાના ૧પ ગામોમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર તથા અમરેલીની કુલ ૩૯ ટીમો દ્વારા વહેલી સવારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. માત્ર ગૃહ વપરાશ અર્થેના કુલ ૬૪૮ જોડાણો સાંજ સુધીમાં ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકીના ૧૪૪ કનેક્શનોમાં યેનકેન પ્રકારે ગેરરીતિ મળી આવતા આ આસામીઓના જોડાણો કટ્ટ કરી કુલ રૂા.૧પ.૭૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી ડે.ઈજનેરો જેમાં એસ.જે. પંચાલ, વી.કે. બોરીચા, ટી.એમ. સોસા તથા એ.જી. બગુલની રાહબારી હેઠળ કરવામાં આવી હતી. ૧ એએસઆઈ, ૩ કોન્સ્ટેબલ, પીજીવીસીએલ પોલીસ તથા ૧પ એસઆરપી જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહીની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.