દેશની તમામ જનતાની અપેક્ષાને સંતોષ આપતું કેન્દ્રીય બજેટ : જિલ્લા ભાજપ
આજરોજ કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી દ્વારા કેન્દ્ર સરકારનું અંતિમ પૂર્ણકક્ષાનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું, છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની વિકૃત માનસિક્તા હતી કે અંતિમ બજેટ પોપ્યુલીસ્ટ બજેટ આપીને કૌભાંડોના ડામ, ભ્રષ્ટાચારના ડોઝને ભુલવાડવા માટે જનતાને રાજી કરવા અંતિમ ચૂંટણીલક્ષી બજેટ આપીને દેશને તોડવાનું કાર્ય કર્યુ છે તેમ ભાવનગર જિલ્લા ભાજપે બજેટને આવકાર્યુ હતું.
આ બજેટમાં આવનારૂ વર્ષ ચૂંટણીનું હોવા છતાં હિંમતભેર દેશની તમામ જનતાની અપેક્ષાઓને સમાવવાની કોશિષ કરવામાં આવી છે. ખાસ કરીને કિસાન, ગરીબ, મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ, આરોગ્ય, બેરોજગારી, વેપાર ઉદ્યોગ-ધંધા વગેરે તમામ ક્ષેત્રોને આવરી લેવામાં આવીને ભારત દેશ એક થઈને આગળ વધી શકે તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. આ બજેટની અમુક મહત્વની ઉડીને આંખે વળગે તેવી છે.
કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવી, જેમાં આ વખતે કૃષિ ઉત્પાદન રેકોર્ડ ર૭પ મીલીયન ટન સુધી પહોંચ્યું છે. સ્વાસ્થ્ય માટે ૧૦ કરોડ પરિવારોને પરિવાર દીઠ પ લાખનો સ્વાસ્થ્ય વિમા યોજના એટલે કુલ આબાદીની પ૦ કરોડ જનસંખ્યા આવરી લેવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ હેલ્થ વેલનેસ માટે ૧ર૦૦ કરોડ, સ્વાસ્થ્ય સુધારણા માટે ૧ લાખથી વધુ સ્વાસ્થ્ય કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રને મજબુત કરવા એકીકૃત બી.એડ. શરૂ કરાશે, ર૦રર સુધી આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલ જેમાં રાઈઝ સ્કીમ હેઠળ ૧ લાખ રોકડ રૂા., વડોદરામાં રેલવે યુનિવર્સિટી, આઈઆઈટી હેઠળ ૧૮ પ્લાનીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કુલો ખોલાશે. ગ્રામીણ વિકાસ અને ડીજીટલાઈઝેશન માટે ૩૦૭૩ કરોડ, ગ્રામ્ય વિસ્તારમાં ૧૪.૩૪ લાખ કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ૧ લાખ નવા ઘર બનાવવામાં આવશે. સામાજીક સુરક્ષા સાથે જોડાયેલી યોજના માટે ૯૯૭પ કરોડ, રાષ્ટ્રીય આજીવીકા મીશન માટે પ૭પ૦ કરોડ ફાળવાયા છે. રેલ્વેના વિકાસ માટે ૧૪૮પર૮ લાખ કરોડની ફાળવણી, ૩૬૦૦ કિ.મી. પાટાનું નવીનીકરણ, ૪૦૦૦ કિ.મી.નું વિધુતીકરણ, તમામ ડબ્બાઓમાં સુરક્ષા માટે સીસીટીવી લગાવવામાં આવશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને ૧૦૦ ટકા ટેકસ રાહત, રપ૦ કરોડ ટર્ન ઓવરવાળી કંપનીઓને રપ કોર્પોરેટ ટેકસ, જેને લીધે ૯૯ ટકા નાની કંપનીઓને ફાયદો, ટેકસટાઈલ ક્ષેત્ર માટે ૭૧પ૦ કરોડ ફાળવાયા છે. મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રને વધુ ઉંચાઈ પર લઈ જવું અને આખરી પણ મહત્વનું એકસાઈઝ ડ્યુટીમાં કાપથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં ઘટાડો થશે.
કેન્દ્રીય બજેટને શહેર ભાજપનો આવકાર
વિશ્વની સૌથી મોટી લોકશાહીના મંદિર સમાન લોકસભાના ફ્લોર પર આજે દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા કૃષિ, ગરીબ અને આરોગ્યલક્ષી બજેટને શહેર ભાજપાએ આવકાર્યુ હતું અને રાષ્ટ્રની ગ્રામીણ ભારતથી લઈ ભવિષ્યના ભારત સુધીની સૌની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ કરનારૂ વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું.
આજના બજેટ અંગે પ્રતિભાવ આપતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણય બાદ પણ સરકારની આવકમાં વધારા સાથે કેન્દ્ર સરકારનું આજનું બજેટ મોદી સરકારના સુશાનનો નમુનો છે. આજનુ બજેટ કેન્દ્ર સરકારની વિકાસયાત્રાનું અને દેશની આર્થિક પ્રગતિનું પ્રતિબિંબ પાડતું અને ગરીબો, ખેડૂતો અને લોકોના આરોગ્ય પ્રત્યે સરકારની સંવેદના દર્શાવતું સમાજના તમામ વય અને તમામ વર્ગના લોકોને આવરતું સાર્વત્રિક અને સર્વસ્પર્શી બજેટ છે જે કેન્દ્રની વિકાસયાત્રાની સાથે સાથે માનવીય સંવેદનાઓથી ભરેલું છે. તેઓએ જણાવ્યું હતું કે આજનું બજેટ ફસલથી લઈ ફાયબર સુધી, કૃષિથી લઈ કારોબાર સુધી, ગરીબથી લઈ ગામડાઓ સુધી, યુવાથી લઈ વડીલો સુધી, મેઈક ઈન ઈન્ડિયાથી લઈ સ્ટાર્ટઅપ ઈન્ડિયા સુધી તમામ સ્તર અને ક્ષેત્રના લોકોની લાગણીઓનું પ્રતિબિંબ પાડનારૂ બજેટ છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીજીને દેશના વિકાસદરને ૭ ટકાથી ઉપર લઈ જવા અને ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને સાર્થક બનાવતું બજેટ રજૂ કરી દેશના ખેડૂતો, યુવાઓ, મહિલાઓ, ગરીબો અને દલીતોને મજબુતી અને મહત્વ પ્રદાન કરતું બજેટ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ર૧મી સદીના ભારતના નિર્માણ તરફ દેશની વિકાસ યાત્રાને ગતિ પ્રધાન કરવા સાથે દેશનું આર્થિક સશક્તિકરણ કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીને આજે શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ અને રાજુભાઈ બાંભણીયા સહિતે આવકાર્યું હતું.
ગામ, ગરીબ, મહિલા અને ખેડુતોને આગળ વધવાની તકોનું નિર્માણ કરતું બજેટ : કેન્દ્રિય મંત્રી માંડવિયા
વર્ષ ૨૦૧૮-૧૯ માટે રજુ થયેલ બજેટ બહુઆયામી અને લાંબાગાળાની અસરો છોડી જનારું બની રહેશે. ગામ, ગરીબ, ખેડૂત, મહિલા અને ઉદ્યોગોની ચિંતા કરતુ આ બજેટ પ્રગતિનાં નવા અવસરોનું નિર્માણ કરશે તેની સાથે જ લાંબાગાળાની અસરો છોડી જશે. તેવુ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયા એ જણાવેલ છે.
“ઈઝ ઓફ લીવિંગ” ને આધાર બનાવી બજેટ રજુ કરી સરકારે દેશનાં જન-જન માટેની ચિંતાનો ચિતાર આપ્યો છે. આ બજેટમાં કરેલ ઘણા નિર્ણયો લાંબાગાળાની અસરો ઊભી કરશે. જેમકે, ખેડુતોને ખેત પેદાશ માટે દોઢ ગણા ભાવ આપવાની નીતિથી આજે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે, તેની સાથે જ ખેતધીરાણની વધારેલી રકમથી ખેડૂતોને ખેતી કરવી આસાન બનશે. ગરીબોના સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલ ચિંતા તથા ત્રણ લોકસભા દિઠ એક મેડીકલ કોલેજોના નિર્માણ જેવા નિર્ણયોથી જાહેર સ્વાસ્થ્ય સુધરશે.
આ બાજેટમાં એમએસએમઈ અને રોજગાર સર્જન પર ખાસ ભાર મુકેલ છે. મહિલા નોકરીયાત માટે પી.એફ. માટે સરકારે વિશેષ સહયોગ આપીને મહિલા રોજગાર સર્જન કરવા માટે પ્રયત્ન કરેલ છે. ગામડામાં માળખાકીય અને પાયાની સુવિધા સાથે જ ઈન્ટરનેટ કનેક્ટીવીટી તથા રોડ કનેક્ટીવીટી સુધારવા કરેલ પ્રયત્ન થી ગામડાને આગળ વધાવવાનો અવસર મળી રહેશે. આ તમામની સાથે જ સરકારે નાણાંકીય શિસ્તને આગળ વધારીને એક લાંબાગાળાનું મજબુત અર્થતંત્ર નિર્માણ કરવાની પ્રતિબધ્ધ્તા કાયમ રાખી છે તેમ જણાવ્યું હતું.
વેપાર-ઉદ્યોગની અપેક્ષા કરતા બજેટ ઉણું ઉતર્યુ : સૌ.ચેમ્બર
આજરોજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીની મેનેજીંગ કમિટિના તમામ સભ્યોએ કેન્દ્રીય બજેટના જીવંત પ્રસારણને ચેમ્બરના કમિટિ હોલમાં નિહાળેલ.
બજેટના પ્રસારણના સમાપન બાદની ચર્ચામાં સભ્યોએ બજેટ અંગે પ્રતિભાવો આપતા જણાવેલ કે આ બજેટ વેપાર -ઉદ્યોગની અપેક્ષા કરતા ઘણુ ઉણુ ઉતરેલ છે. ઈન્કમ ટેક્ષના સ્લેબમાં કોઈ ફેરફાર કરેલ નથી. જેના કારણે નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય પ્રજાને કોઈ ફાયદો થયેલ નથી. આ બજેટમાં પગારદાર કર્મચારીઓને ૪૦ હજાર સુધી સ્ટાન્ડર્ડ ડીડક્ષન આપેલ છે તથા સીનીયર સીટીઝનને, મેડીકલ તથા વ્યાજ વગેરેમાં મળતી કપાતની મર્યાદા વપધારેલ છે. તથા નિશ્ચિત વ્યાજ આપતી સ્કમમાં મહત્તમ રોકાણ મર્યાદા ૭.પ૦ લાખથી વધારી ૧પ લાખ કરેલ છે તે આ બજેટની ઉજળી બાબત છે. કોર્પોરેટ ક્ષેત્રમાં રપટકા વેરાના દર માટે ટર્ન ઓવરની મર્યાદા પ૦ કરોડથી વધારી રપ૦ કરોડ કરેલ છે. જેના કારણે ૯૦ ટકા જેટલી નાની ઈન્ડસ્ટ્રીઓને ટેક્ષમાં ફાયદો થશે. લોંગ ટર્મ કેપીટલ ગેઈનમાં વેરામુકિતને બદલે ૧૦ ટકા વેરો લેવાની દરખાસ્ત કરવામાં આવેલ છે. શેર બજારમાં રોકાણ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારને વરામુકિતનો લાભ મળશે નહીં. ઈન્કમ ટેક્ષ પર લાગતી ૩ ટકા શેષ વધારી ૪ ટકા કરેલ છે.તથા મોબાઈલ, ટીવી વગેરેમાં કસ્ટમ ડયુટીમાં વધારો કરેલ છે. તથા કસ્ટમ ડયુટી પર લાગતી શેષ ૩ ટકા થી ૪ ટકા કરેલ છે. વતર્માન સરકારનું આ છેલ્લું પુર્ણતઃ બજેટ હોય સામાન્ય લોકોની આ બજેટમાં સરકાર પાસેથી ખુબ જ અપેક્ષાઓ હતી તે પુર્ણ થયેલ નથી. તેવું ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવેલ છે.
ખેડૂતોને ફરી એકવાર પડતરના દોઢા ભાવ આપવાની લોલીપોપ : સીપીએમ
ભારતનો સામ્યાદી પક્ષના કેન્દ્રીય સમિતિના સભ્ય અરૂણ મહેતાએ કેન્દ્રીય બજેટને લોલીપોપ અને ભરપૂર ઝુંઠ્ઠા વચનોથી ભરપુર હોવાનું જણાવાયું છે. ગત વર્ષે પણ પડતરના દોઢા ટેકાના ભાવ આપવા વચન આપ્યા બાદ આજે નાણામંત્રીએ પોતાના બજેટ પ્રવચનમાં શરૂઆતમાં જ ખેડૂતોને પડતરના દોઢા ભાવ મળી ગયા હોવાની હળહળતી ઝુંઠ્ઠી જાહેરાત કરીને દેશની જનતાને છેતર્યા છે અને ફરી વખત ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી છે. ખાતર બિયારણ, ટ્રેક્ટર, ખેતી ઓજારોમાં કોઈ ઠોસ રાહત અપાઈ નથી. રૂા.૧૮૦૦૦ લઘુત્તમ વેતન આપવા, કામદારોને પેન્શન રૂા.૩૦૦૦ પેન્શન આપવા સહિતની એકપણ માંગણીનો સ્વીકાર કરાયો નથી. મઝદુરોને અંગુઠો બતાવું બજેટ છે.
મોંઘવારી નાથવા માટેના કોઈ જ પગલા લેવાયા નથી. ગેસના બાટલા, પેટ્રોલ, ડીઝલમાં કોઈ જ રાહત ન મળતા મધ્યમ વર્ગમાં નિરાશા. દેશના કરોડો કુપોષિતો બાળકો-માતાઓ માટે બજેટમાં ઘટાડો કરાયો છે. જ્યારે સરકારી હેલ્થ સેન્ટરો ખાનગી સંસ્થાને સોંપવાની જાહેરાત કરાઈ છે. જ્યારે ૮૦ હજાર કરોડની સરકારી કંપનીઓને વેરા નાખવાની જાહેરાત દ્વારા પૈસા ઉભા કરવાની જાહેરાત કરાઈ છે. નોકરીની તકો ઓછી કરશે કરોડો બેરોજગારોને નિરાશ કરનારૂ બજેટ છે.
સરકારી નોકરીયાતોને કોઈ જ રાહત અપાઈ નથી અને ૧ ટકા ટેક્ષ હેલ્થ સેસમાં વધારો જાહેરાત કરાયેલ છે. બજેટ નોકરીયાત-મઝદુર વિરોધી બજેટ હોવાનું જણાવેલ.
આંગણવાડી, આશાવર્કર, મ.ભો.યો. કર્મીઓને નિરાશ કરતું કેન્દ્રીય બજેટ
સીઆઈટીયુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત, ભારતીબેન મકવાણા, ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયનના મંત્રી અશોક સોમપુરા, ઉપપ્રમુખ પુષ્પાબેન પરમારે કેન્દ્રીય બજેટ અંગે ભારે રોષ સાથે જણાવેલ છે કે, ભાજપે ર૦૧૪ની ચૂંટણી ઢંઢેરામાં આંગણવાડી-આશા-મધ્યાહન ભોજન વર્કરોના માનદ વેતનમાં વધારો કરવા વચન આપ્યું હતું. કેન્દ્ર સરકારના આ છેલ્લા બજેટમાં પણ કોઈ જ વધારો જાહેર કર્યો નથી. કેન્દ્ર સરકાર આંગણવાડી વર્કરને માત્ર રૂા.૩૦૦૦ હેલ્પરને રૂા.૧પ૦૦, આશા વર્કરને માત્ર રૂા.૧૦૦૦, મધ્યાહન ભોજન વર્કરને માત્ર ૭પ૦ જ માસિક રકમ માનદ વતન તરીકે આપે છે. ર૦૧૧થી અત્યાર સુધી કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટ હોવા છતા એક રૂપિયો પણ વધાર્યો નથી તેમજ આંગણવાડી કેન્દ્રો, આશા વર્કરના હેલ્થ સેન્ટરો ખાનગી સંસ્થાને સોંપવાની જાહેરાત કરેલ છે. તમામ બહેનોમાં ભારે રોષ ઉભો થયો છે. રણચંડી બની કેન્દ્ર સરકાર સામે આંદોલન કરશે.