અમદાવાદમાં બે વૃક્ષો અલગ અલગ જગ્યાએ ધરાશાયી થતાં ૧ યુવતીનું મોત, ૧ ઘાયલ

585

આજે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે. ત્યારે શહેરમાં ભૂવા પડે તેમાં તો કંઇ નવાઇ નથી રહી પરંતુ માર્ગો પર વૃક્ષો પણ પડી રહ્યાં છે.

આજે શહેરમાં બે જગ્યાએ વૃક્ષ પડ્‌યાં છે જેમાં એક દુર્ઘટના મણિનગરમાં બની છે જેમાં વૃક્ષ ચાલુ રીક્ષા પર પડતા યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય દુર્ધટનામાં રીક્ષા પર વૃક્ષ પડતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે સવારે અખબારનગર નવા વાડજમાં એક રીક્ષા પર વૃક્ષ પડ્‌યું હતું. રીક્ષામાં બે વ્યક્તિઓ બેઠા હતાં જેમાથી એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યો છે. આ રીક્ષાનાં માલિક પ્રતાપભાઇનાં કહ્યાં પ્રમાણે આજે બપોરે એક વાગ્યાની આસપાસ તેઓ રીક્ષા પાર્ક કરીને જમવા માટે ગયા હતાં. તેમના ગયા પછી અંદર રીક્ષામાં બે જણ બેઠા હતાં. અને ત્યારે જ વૃક્ષ ઘરાશયી થયું હતું.

આ ઉપરાંત શહેરમાં અન્ય એક વૃક્ષ પડ્‌યું છે. મણિનગરમાં આવેલી બેસ્ટ સ્કૂલ પાસે ચાલુ રીક્ષામાં એક વૃક્ષ ઘરાશયી થયું હતું. જેમાં રીક્ષામાં બેઠેલા સલમાબાનું ૨૪ વર્ષની યુવતીનું મોત નીપજ્યું છે. આ યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કરી. જોકે રીક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે.

Previous articleઅંબુજા સિમેન્ટે શરુ કર્યાં કારીગર મિત્રો માટે વર્કશોપ
Next articleહવે બેંકો પણ સુરક્ષિત નથી! કાલુપુર કો.ઓપ. બેન્કના લોકરમાંથી લાખોના દાગીના ગુમ