અમેરિકામાં ભારતીય મૂળના પરિવાર પર અંધાધૂંધ ગોળીબારઃ ૪ લોકોના મોત

358

અમેરિકાના લોવા સ્ટેટના વેસ્ટ ડેસ મોઈનેસ સિટીમાં અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ભારતીય મૂળના પરિવાર પર ગોળીઓ વરસાવી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા. શનિવાર સવારે બનેલી ઘટનામાં પાડોશીઓએ પોલીસને જાણ કરતા મામાલો સામે આવ્યો હતો.

મૃતકોની ઓળખ ચંદ્રશેખર શંકરા (૪૪), લાવણ્યા શંકરા (૪૧) અને તેમના બે પુત્રો તરીકે થઈ છે. જેમની ઉંમર ૧૫ અને ૧૦ વર્ષ હતી. વેસ્ટ ડેસ મોઈનેસ પોલીસના જણાવ્યા મુજબ ઘટના સ્થળ પર ઘણા રાઉન્ડ ફાયરિંગ થયાના પુરાવા મળ્યા છે. હત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી મુજબ મૃતકો આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાના તસુંદુરુના રહેવાસી હતા. ચંદ્રશેખર વધુ અભ્યાસ માટે યુએસ ગયા હતા અને પરિવાર સાથે ત્યાં જ સ્થાયી થયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ચંદ્રશેખર શંકરા છેલ્લાં ૧૧ વર્ષથી લોવા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના ટેક્નોલોજી સર્વિસ બ્યૂરોમાં કામ કરતાં હતા. તેમનો પરિવાર આ ઘરમાં ગત્‌ માર્ચ મહિનાથી રહેતો હતો. ઘટના બાદ મૃતકોના સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ ડરેલા છે.

Previous articleગાંધીનગરના ડૉકટરો હડતાળમાં જોડાયા
Next articleપાક.ની અવળચંડાઇઃ પૂંછમાં ફાયરિંગ કરતા એક બીએસએફ જવાન ઘાયલ