ભોપાલના બીજેપીના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન લોકસભામાં ભારે હંગામો થયો. સાધ્વી પ્રજ્ઞ જેવા શપથ લેવા પહોંચ્યા, ત્યારે વિપક્ષના સભ્યોએ તેમના નામને લઈ આપત્તિ દર્શાવી અને હંગામો કરવા લાગ્યા હતા. પ્રજ્ઞા સિંહ ઠાકુરે સંસ્કૃતમાં શપથ લીધા હતા. જેવા જ તેમણે સંસ્કૃતમાં પોતાના પિતાનું નામનું ઉચ્ચારણ કર્યું, ત્યારે વિપક્ષે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે તે ફક્ત પોતાના નામનું જ ઉચ્ચારણ કરી શકે છે.
સાધ્વી પ્રજ્ઞાએ સંસ્કૃતમાં કહ્યું કે, ‘હું સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સ્વામી પૂર્ળચેતનાનંદ અવધેશાનંદ ગિરી લોકસભા સદસ્યના રૂપમાંપ’. સાધ્વી પ્રજ્ઞાએ પોતાના નામની સાથે પોતાનું આધ્યાત્મિક નામનું ઉચ્ચારણ કરતાં વિપક્ષે તેમને અટકાવ્યા હતા. જે બાદ સાધ્વી પ્રજ્ઞા શપથ લેતાં રોકાઈ ગયા હતા.
સાધ્વી પ્રજ્ઞાના શપથ પર વિપક્ષે નારેબાજી કરી હતી. તો આ બાદ પ્રોટેમ સ્પીકરે રેકોર્ડ ચેક કરવાની વાત કહી હતી. કેમ કે, સાધ્વી પ્રજ્ઞાનું કહેવું હતું કે, તેઓએ પોતાના રેકોર્ડમાં આ જ નામ આપ્યું હતું. બાદમાં પ્રોટેમ સ્પીકરે કહ્યું કે, જે નામ રેકોર્ડમાં દાખલ હશે, તેની સાથે જ શપથ લઈ શકાય છે.
વિપક્ષના વિરોધ બાદ સાધ્વીના સમર્થનમાં બીજેપીના સાંસદો પણ પોતાની સીટ પરથી ઉભા થઈ ગયા હતા. અને નારેબાજી કરવા લાગ્યા હતા. અંતે ભારે હોબાળા બાદ સાધ્વી પ્રજ્ઞાએ ઈશ્વરના નામે શપથ લીધા હતા.