કચ્છ ઉપર તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાનો ખતરો પણ હવે ટળી ગયો છે. વાવાઝોડુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા મોટા ભાગે કચ્છ ઉપરથી ખતરો ટળી ગયો છે. જોકે, તંત્ર કોઈ તક લેવા માટે તૈયાર નથી. સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. જુદી જુદી જગ્યાઓ ઉપર એનડીઆરએફની ટીમ અને બચાવ ટુકડીઓ તૈનાત રાખવામાં આવી છે. સાવચેતીરૂપે સિગ્નલો પણ યથાવત સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. કચ્છ ઉપરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. પરંતુ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ તેની અસર હેઠળ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી હેઠળ કચ્છમાં આઠથી દસ ઈંચ સુધી વરસાદ પડી શકે છે. કચ્છથી વાવાઝોડુ હવે દુર નથી. ૧૬૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. પરંતુ તેની તિવ્રતા ઘટી ગઈ છે. જેથી તીવ્ર પવનની સાથે વરસાદ થશે. પરંતુ વાવઝોડાના ખતરો ટળી ગયો છે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આજે મોડી સાંજ સુધી કચ્છના નલિયા અને લખપતના કાંઠા વચ્ચે ટકરાઇ લેન્ડફોલ કરશે તેવી હવામાન વિભાગે શકયતા વ્યકત કરી છે. હાલ આ સીસ્ટમ ભુજથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ ૫૫૦ કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિર છે ત્યારે વાયુની જિલ્લાભરમાં અસર વર્તાઈ રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઈ, બન્ની વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડયો હતો. તો, બીજીબાજુ, વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે ૪૫થી ૬૫ કિ.મીની ઝડપે તોફાની પવન સાથે મધ્યમથી ભારે તો કયાંક અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, આજે સોમવારે આ સિસ્ટમ વહેલી સવારે યુ ટર્ન મારી કચ્છના કાંઠા તરફ ગતિ કરશે. મોડી સાંજ સુધી કચ્છના નલિયા આસપાસ લેન્ડફોલ કરી દરિયાકાંઠે ટકરાયા બાદ ઉતર ગુજરાતનો કાંઠો પસાર કરી દક્ષિણ રાજસ્થાન પહોંચશે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ ગઇ છે. ૪૫થી ૬૫ કિ.મીની ઝડપે પવન સાથે મધ્યમથી ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ ૩થી ૮ ઇંચ સુધી રહેવાની ધારણા છે. હાલ કચ્છમાં એનડીઆરએફની ૩ ટીમ નલિયા, ગાંધીધામ અને માંડવીમાં તૈનાત છે. ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી જોતાં ભુજ ખાતે એનડીઆરએફની વધુ બે ટુકડીને સ્ટેન્ડ બાય રાખવા સાથે બીએસએફની બે ટીમને પણ એલર્ટ પર રખાઇ છે. વરસાદની આગાહીના પગલે તંત્ર કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા સતર્ક હોવાનો દાવો કરાયો છે. હંમેશા પ્રવાસીઓથી ધમધમતા માંડવી બીચ હાલ વાયુ વાવાઝોડાના કારણે સુમસામ માહોલ ભાસી રહ્યો છે. ગઇકાલે વાયુ વાવાઝોડાના રિટર્નના પગલે કિનારે તેજ પવન સાથે સમુદ્રના પાણી આવી ચડ્યા હતા. બીચ પર પોલીસ પ્રવેશ બંધી હોવાથી લોકો જઈ શક્યા ન હતાં. સ્થાનિક સત્તાધીશો દ્વારા બે દિવસ સુધી બીચ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. જિલ્લાના કાંઠાના દરિયામાં આજ પ્રકારનો કરંટ જોવા મળવા સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. બંદર પર બે નંબરનું સિગ્નલ યથાવત રખાયું છે. આ તરફ કોટેશ્વરમાં પણ તકેદારીના ભાગરૂપે સનસેટ પોઇન્ટ પર જવાની પાબંદી લંબાવી દેવાઇ છે. કોટેશ્વર અને નારાયણસરોવરમાં સહેલાણીઓની સંખ્યા ઘટી જતાં ત્યાં પણ સન્નાટાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો નલિયામાં ભારે પવનના કારણે વૃક્ષો અને વીજથાંભલાઓ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી હતી. વાયુ ડિપ્રેશનમાં ફેરવાઇ આજે મોડી સાંજે સુધી નલિયા અને લખપત વચ્ચે ટકરાશે. વાયુ વાવાઝોડું રિટર્ન થતા તેની અસર હવે કચ્છમાં દેખાઇ રહી છે. એક બાજુ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે દરિયા કિનારે આવેલા ગામોમાં જોરદાર તોફાની પવન ફુંકાવાનું શરૂ થયું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં સરકાર અને તંત્ર હાઇએલર્ટ પર સતર્ક છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડુ ફેરવાઈ ચુક્યુ છે. તે છેલ્લા છ કલાકમાં આશરે ૧૨ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. છેલ્લા સમાચાર મુજબ તે નલિયાથી ૧૯૦ કિલોમીટર પશ્વિમ-દક્ષિણ પશ્વિમમાં સ્થિત છે. જ્યારે દ્ધારકાથી ૧૭૫ કિલોમીટર પશ્વિમ-દક્ષિણ પશ્વિમમાં છે. આવી જ રીતે ભૂજથી ૨૭૦ કિલોમીટર દક્ષિણ-પશ્વિમમાં છે. આગામી છ કલાક દરમિયાન આ સીસ્ટમ લો પ્રેશરમાં ફેરવાઈને નબળી પડશે.