નાણા મંત્રી અરૂણ જેટલીએ સંસદમાં બજેટ સ્પીચ પૂરી કરી કે તરત જ ટિ્વટર પર વ્યાપ્ત મધ્યમ વર્ગના લોકોમાં નિરાશા વ્યક્ત કરતાં ટિ્વટ શરૂ થઈ ગયા હતા. તેની સાથે જ હાલ ચર્ચામાં રહેલા ‘પકોડા’ પણ ટ્રેન્ડમાં આવી ગયા હતા. અનેક લોકોએ આ બજેટને ‘પકોડા બજેટ’ ગણાવ્યું હતું. જોતજોતામાં તો ‘પકોડા બજેટ’ હેશટેગ સાથે ટિ્વટર પર ટ્રેન્ડમાં આવી ગયું હતું.
બજેટમાં અનેક જગ્યાએ નાણા મંત્રીએ ૨૦૨૨ના લક્ષ્યાંકની વાત કરી એટલે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો કે મોદી સરકારે ૨૦૧૪માં ૨૦૧૯ માટેના વાયદા કર્યા હતા. જ્યારે ૨૦૧૮માં ૨૦૨૨ માટેના વાયદાઓ કરવામાં આવી રહ્યા હતા. આ બજેટમાં સૌથી વધારે નારાજ મધ્યમ વર્ગે ઇનકમ ટેક્સમાં પાંચ લાખની આવક ધરાવનારાને સંપૂર્ણ મુક્તિ આપવાના ૨૦૧૪ના ભાજપના ચૂંટણી વાયદાને પણ યાદ અપાવીને આ બજેટને પકોડા બજેટ ગણાવ્યું હતું. પ્રિયંકા નામના એક ટિ્વટર હેન્ડલે તો એક શાયરી મૂકતાં જણાવ્યું હતું કે, ‘લોઅર ક્લાસ કો મીલતી હૈ સબસીડી, અપર ક્લાસ કો મીલતી હૈ રિબેટ, સેલરી વાલો તુમ દેખો ટીવી, ક્યોંકી મિડલ ક્લાસ કો મીલતી હૈ ડિબેટ.’ કેટલાક લોકોએ રાજસ્થાનમાં પેટાચૂંટણીમાં ભાજપને મળેલી પછડાટને પણ બજેટ સાથે વણી લઈને એવો કટાક્ષ કર્યો હતો કે ‘જનતાએ રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ બેઠકો જીતાડી આપી અને ભાજપના હાથમાં પકોડા મૂકી દીધા છે.’ જ્યારે કેટલાક લોકોએ તો અરૂણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પકોડા તળતાં હોય તેવા કાર્ટુન પણ તૈયાર કરીને ચઢાવી દીધા હતા.