ખેડૂતોની આવક બમણી કરી કૃષિસમૃદ્ધિ થકી આર્થિક સમૃધ્ધિની અવિરત આગેકૂચ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં કૃષિ મહોત્સવ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ સિહોરના સણોસરા ગામની લોકભારતી સંસ્થા ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (સૌરાષ્ટ્ર)ના અધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં તાલુકાના ખેડૂત ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જયાં ખેતી ને લગતા આધુનિક સંશોધનો અને ઉપકરણોના ૨૫ જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા જેનો સિહોર તાલુકાના ખેડૂત ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ ડો.બોઘરાએ ઉપસ્થિત ખેડૂત ભાઈઓને સંબોધતા કહ્યું હતું કે ખેડૂતોને પેદાશોનું વળતર વધુમાં વધુ મળે તે દિશામાં ખેડૂતોએ આગળ આવવું પડશે અને ખેતીમાં થતા આધુનિક સંશોધનો અપનાવી ખેતી ને આધુનિકતા તરફ વાળવી પડશે.ભારત દેશ કૃષિ અને ઋષિનો દેશ છે તેથી જો કૃષિ સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ થશે.તેઓએ ખેડૂતોના પાક અને પાણી અંગે વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં જળસંચયની કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને નર્મદા કેનાલની લીંક ૩ અને ૪ થી ભાવનગર જિલ્લાને આગામી સમયમાં પાણી આપવામાં આવશે જેની અસર અને ફાયદાઓ ખૂબ ટૂંકાગાળામાં ખેડૂતો સુધી પહોંચશે. સરકાર ખેડૂત ને મજબૂત કરવા હંમેશા ચિંતિત છે અને તેથી જ ખેડૂતોના પાક નું મૂલ્ય કઈ રીતે વધે એ દિશામાં સરકારશ્રી એ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.ઉદબોધન ના અંતે આગામી પેઢી તેમજ યુવાવર્ગ વધુમાં વધુ કૃષિ તરફ વળે તેવી તેઓએ મહેચ્છા વ્યક્ત કરી હતી અને સરકારના આવા કૃષિ વિષયક કાર્યક્રમોનો ખેડૂત વર્ગ વધુમાં વધુ લાભ લઇ આધુનિક ખેતી તરફ વળે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કૃષિ મહોત્સવમાં કૃષિને લાભદાયી એવા ૨૫ જેટલા સ્ટોલમાં કૃષિ ઉપયોગી આધુનિક સાધનો ,સુધારેલા બિયારણો, કિસાન સુવિધા કેન્દ્ર,પશુપાલન, ટપક સિંચાઈ, શાકભાજી બિયારણ, ઓર્ગેનિક દવા તેમજ ખાતર,જંતુનાશક વગેરે જેવી આધુનિક ખેતી વિષયક માહિતીથી ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ તમામ સ્ટોલની કાર્યક્રમના અધ્યક્ષશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે પણ મુલાકાત લઇ રસપૂર્વક માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા ખેડૂત યોગરાજસિંહ ગોહિલે ખેતીમાંથી કઈ રીતે નવા નવા મૂલ્યવર્ધિત પ્રયોગો દ્વારા વધુ નફો મેળવી શકાય તેના જાત અનુભવો રજૂ કર્યા હતા તેમજ જિલ્લાના ખેડૂતો કે જેમનું સજીવ ખેતી,શાકભાજી, મૂલ્યવર્ધિત ખેતી તેમજ કૃષિ ક્ષેત્રે વિશેષ યોગદાન રહ્યું છે તેવા ખેડૂત ભાઈઓને સન્માનીત કરાયા હતા.