વલ્લભીપુર શહેરમાં આવેલ પશુ પાલન ખાતા દ્વારા સંચાલિત તાલુકા પશુ દવાખાનની માત્ર બે મહિના પહેલા જ બનેલી દીવાલ ઝરમર વરસાદ વરસતા જ પત્તાના મહેલની માફક ધરાશાઈ થઈ જતા કામમાં થયેલો ભ્રષ્ટચાર ખુલ્લો પડી ગયો છે.
બનાવની વિગત એવી છે કે વલ્લભીપુર શહેરમાં આવેલા તાલુકા પશુ દવાખાનાની બાઉન્ડ્રી દિવાલનું કામ પૂરું થયાને માત્ર બે મહિના જેટલો જ સમય થયો છે. હાલમાં શહેરમાં માત્ર ઝરમર વરસાદ વરસતા જ તકલાદી દિવાલનો મોટો ભાગ ધરાશાઈ થઈ જતા દીવાલ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ઈજનેર સહિતના અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વાત જગ જાહેર છે. કામ મેળવવા કોન્ટ્રાક્ટરો ઓછા ભાવના ટેન્ડર ભરે ત્યાર બાદ નફો મેળવવા કામમાં, મટિરિયલમાં બાંધછોડ કરે ત્યારે સરકારી ઈજનેર અને અધિકારીઓ સાથે સમાધાનકારી વલણ અપનાવાતું હોય છે. જે જગ જાહેર બાબત છે. આ કિસ્સામાં પણ આવી ભાગ બટાઈની ગંધ આવી રહી છે.
ત્યારે વલ્લભીપુર નગર પાલિકા સદસ્ય એવા વોર્ડ નંબર બેના દેવાભાઈ ભાણાભાઈ ચાવડાએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે જ્યારે આ દીવાલ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે થઈ રહેલી નબળી કામગીરી બાબતે એમણે જિલ્લા પંચાયતમાં લેખિત રજુઆત કરી હતી જેનો પરિણામલક્ષી યોગ્ય પ્રતિભાવ મળ્યો ન હતો. ભાણાભાઈએ ઓન કેમેરા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે ચાલુ કામે જ એમણે કરેલી વારંવારની રજુઆત બાદ પણ કોઈ ચેકીંગ કે પગલાં ભરવામાં ન આવ્યા ત્યારે જ આ દીવાલ નજીકના ભવિષ્યમાં ધરાશાઈ થઈ જશે એ નક્કી થઈ ગયું હતું અને ખરેખર એમનો અંદાજો પહેલા વરસાદમાં જ કમનસીબે સાચો પડ્યો હતો. સાથો સાથ દેવાભાઇએ બાકી બચેલી દીવાલ પણ ચોમાસુ નહિ કાઢે એવી દહેશત વ્યક્ત કરી છે.
કામ ચાલતું હોય ત્યારે ઈજનેર દ્વારા ઉપીયોગમાં લેવાઈ રહેલા માલ-મટિરિયલનું સેમ્પલ લેવાનું હોય છે, નિયમો મુજબની ક્વોલિટી વાળું મટીરીયલ અને માપ જળવાય છે કે કેમ એની જવાબદારી ફિક્સ કરવામાં આવેલી હોય છે. આમ છતાં આવું નબળું બાંધકામ ચલાવી લેવાનું કારણ શું હોય શકે એ સહુ કોઈ જાણે જ છે. ત્યારે જવાબદારો સામે હવે કેવા પગલાં ભરવામાં આવશે તે જોવું રહ્યું.