ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯નું ૨૮૨ કરોડનું સુચિત બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિને આપી દેવામાં આવ્યું છે.
સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે જણાવ્યું કે હવે તેના પર ચર્ચા વિચારણા કરીને તેને મંજુર કરવા માટે તારીખ ૩ના બપોરે સ્થાયી સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. સ્વાભાવિક રીતે જ સ્થાયી સમિતિ દ્વારા કમિશનરના બજેટમાં પ્રજાહિતના સુધારા વધારા સૂચવીને તેને બહાલી આપી દેવામાં આવશે.
બજેટ બેઠકમાં હાજર રહેવા માટે સમિતિના સભ્યોને જાણ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદી દ્વારા ડ્રાફ્ટ બજેટમાં નગરની પ્રજાને સ્પર્શતી અત્યંત મહત્વની બાબત સ્વચ્છતાના મામલે સફાઇનો નવો ચાર્જ વાર્ષિક રૂપિયા ૪૫૦ ઘરેથી લઇ જવાતા કચરાના ચાર્જ તરીકે સુચવવામાં આવ્યો છે.
નોંધવું રહેશે કે બે વર્ષ પહેલા બજેટમાં કમિશનરે વ્હિકલ ટેક્સ સંબંધે પણ દરખાસ્ત કરી હતી ત્યારે સ્થાયી સમિતિએ ઉપરોક્ત દરખાસ્તને ફગાવી દીધી હતી. જો કે સમિતિ આ રહેણાંક અને વાણિજ્ય વિસ્તારમાં સફાઇ કરનાં ક્ષેત્રફળ આધારિત દરના માળખાને મંજુરી આપી શકે છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવા કર અને દરમાં સુધારા, વધારાની માયાજાળ રચીને વર્ષે ૫ કરોડ જેવી આવક વધારવા માગે છે. તેના પર સ્થાયી સમિતિ કેવા ફેરફાર સુચવશે તેના પર મીટ મંડાયેલી રહેશે.