જમીન વિકાસ નિગમ લિમિટેડના ભ્રષ્ટાચાર કૌભાંડ મામલે પૂર્વ એમડી અને આરોપી કે. એસ દેત્રોજાની અપ્રમાણસર મિલકત મામલે એસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું કે રાજ્યના અલગ અલગ જિલ્લાના ગામોમાં ખેતીની જમીનો ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે. એસીબીમાં ખાસ ટીમ જેમાં ડેપ્યુટી કલેકટર સહિતની ટીમોએ આરોપી કે.એસ.દેત્રોજાની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવી હતી.
સગા સંબંધીઓના બેન્ક એકાઉન્ટની તપાસ થઇઃ દેત્રોજાના સગા-સંબંધીઓ દ્વારા બે વર્ષમાં ૬ ગામોમાં ૭૦ હેકટરથી વધુ જમીન જેની કિંમત દસ્તાવેજ મુજબ ૨.૫૨ કરોડની ખરીદી છે. તેમના સગા સંબંધીઓના બેન્ક એકાઉન્ટની તપાસ કરતા તેઓ આટલી મોટી રકમની જમીન ખરીદી શકે તેટલા નાણાંકીય સક્ષમ ન હોવાનું બહાર આવ્યું છે. આ અંગે એસીબી દ્વારા ઈન્કમટેક્સ વિભાગને અલગ અલગ પાંચ દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. દેત્રોજાની બેનામી મિલકતમાં આઇટેન કાર મામલે પણ ઈન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ છે. જો કોઈ ભ્રષ્ટ અધિકારી/ કર્મચારીઓએ બેનામી મિલકત જેવી કે જમીન, કાર, બંગલો, ફ્લેટ, બેન્ક લોકર, એકાઉન્ટ વગેરેની માહિતી હોય તો એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન અથવા એસીબી કચેરીનો સંપર્ક કરી શકે છે.