મોદી સરકારે પોતાની બીજી અવધિમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે આક્રમક કાર્યવાહી કરવાના મૂડમાં દેખાઈ રહી છે. ઇન્કમટેક્સના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સરકારે આજે ૧૫થી વધુ સિનિયર કસ્ટમ અને સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. ૧૫થી વધુ કસ્ટમ અને એક્સાઇઝ અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચના આરોપસર ફરજિયાતપણે રિટાયર્ડ કરી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં એક પ્રિન્સિપલ કમિશનરની રેંકના અધિકારી પણ સામેલ છે. જુદા જુદા નિયમો હેઠળ આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામને ભ્રષ્ટાચાર અને લાંચના આરોપસર રિટાયર્ડ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર હજુ પણ આક્રમક કાર્યવાહી કરી શકે છે. નાણામંત્રાલયના એક આદેશ મુજબ નિયમ ૫૬(જે) હેઠળ સરકારે કેન્દ્રીય ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી)ના અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં પ્રિન્સિપલ કમિશનર રેંકના અધિકારીથી લઇને આસીસ્ટન્ટ કમિશનર સુધીની રેંકના અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. આ અધિકારીઓ પૈકી કેટલાક પહેલાથી જ સસ્પેન્સનની સ્થિતિમાં હતા. નાણામંત્રાલયના આદેશમાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી.
સીબીઆઇ દ્વારા તેમની સામે નોંધવામાં આવેલા ભ્રષ્ટાચારના કેસમાં આ અધિકારીઓ લાંચ, ખંડણી અને અપ્રમાણ સંપત્તિ કેસોમાં સીધીરીતે સંડોવાયેલા છે. નાણામંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ આ અધિકારીએ ભ્રષ્ટાચારના કેસમાં અથવા તો અન્ય પ્રકારના ગુનાઓમાં સામેલ છે. ડિસમિસ કરવામાં આવેલાઓમાં પ્રિન્સિપલ કમિશનર અનુપ શ્રીવાસ્તવ પણ સામેલ છે જે હાલમાં દિલ્હીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના પ્રિન્સિપલ (ઓડિટ) તરીકે સેવા આપી રહ્યા હતા. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જોઇન્ટ કમિશનર નલિન કુમારને પણ ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, સીબીઆઈએ તેમની સામે ક્રિમિનલ કાવતરાના આરોપમાં કેસ ૧૯૯૬માં દાખલ કર્યો હતો અને એવો આક્ષેપ કર્યો હતો કે, તેઓએ આવાસ નિર્માણ સોસાયટીમાં તરફેણ કરીને ગેરરીતિ આચરી હતી. બિલ્ડિંગ સોસાયટી દ્વારા કાયદાનો ભંગ કરીને જમીન ખરીદી માટે એનઓસી મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ વર્ષ ૨૦૧૨માં તેમની સામે અન્ય એક કેસ દાખલ કર્યો હતો. કરચોરીના કેસમાં માહિતીને છુપાવવા એક આયાતકાર તરફથી લાંચ સ્વીકારવાના મામલામાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે પસંદગીની ધરપકડ, સતામણી અને ખંડણીની પણ વ્યાપક ફરિયાદો આવી હતી. સસ્પેન્સન હેઠળ રહેલા જોઇન્ટ કમિશનર નલિનકુમાર સામે પણ સીબીઆઈ કેસ ધરાવે છે. આ કેસ વારંવાર ઉચાપત અને અપ્રમાણ સંપત્તિ સાથે સંબંધિત છે. સર્વિસમાંથી તેમને પણ ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયમો હેઠળ આ ૧૫ ઓફિસરોને રિટાયર્ડ કરી દેવામાં આવ્યા છે. ૫૦ વર્ષની વય પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક અમલ સાથે તેમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ ૧૫ અધિકારીઓને એક જ રેટમાં ગણવામાં આવતા ત્રણ મહિનાના ગાળા માટે પગાર અને ભથ્થાની રકમની બરોબર ચુકવણી કરવામાં આવશે. મૂળભૂત નિયમો હેઠળ સત્તાવાળાઓ કોઇપણ સરકારી કર્મચારીને નિવૃત્ત કરવાની સત્તા ધરાવે છે. ત્રણ મહિનાની નોટિસ પિરિયડ આપીને સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાય છે. લાંચમાં સામેલ રહેલા કોલકાતામાં કમિશનર સંસારચંદને પણ કાઢી મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેન્નાઈ સ્થિત કમિશનર જીશ્રીહર્ષા સામે અપ્રમાણ સંપત્તિ કેસ હતો જે ૨.૪ કરોડ રૂપિયાની અપ્રમાણ સંપત્તિનો મામલો રહેલો છે. આ બે અધિકારીઓના કેસમાં સીબીઆઈએ જાળ બિછાવી હતી અને તેમને પકડી પાડ્યા હતા. તમામ સામે અતિકઠોર કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે.