(ઓસ્ટિયોપોરોસિસ) : હાડકામાંથી કેલ્શિયમ ઘટે છે. હાડકાંની ઘટ્ટતા ઓછી થાય છે. જેથી તે નબળા અને બરડ બને છે. અને સહેલાઇથી ભાંગે છે. સ્ત્રીઓમાં મેનોપોઝ પછી સમસ્યા વધે છે. ઓસ્ટીયોપોરોસિસને કારણએ ફ્રેક્ચર તવાની શક્યતા વૃદ્ધ સ્ત્રીઓમાં ૪૦ ટકા અને પુરૂષોમાં ૧૩ ટકા છે.
ઓસ્ટીયોપોરોસિસને કારણે હાડકાં ભાંગવાનું સૌથી વધારે પ્રમાણ થાપા એ કમરના મણકાને રહે છે. વિશ્વમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. એ જોતાં ૧૯૯૦માં થાપાના હાડકાંના ફ્રેક્ચરનાં રોગીઓની સંખ્યા ૧૭ લાખ અનુમાન હતી જે ૨૦૫૦માં ૬૩ લાખ થશે. આમાંના ૭૧ ટકા જેટલાં અસ્થિભંગ (ફ્રેક્ચર) વિકાસશીલ દેશોમાં હશે.
કારણભૂત પરિબળો : ધુમ્રપાન, કસરતનો અભાવ, શરાબનું સેવન, આહારમાં કેલ્શિયમ અને વિટામીન ડી તત્વોની ઉણપ, ઓછું વજન, સ્ત્રીઓમાં વહેલી ઉંમરે રજોનિવૃત્તિ, કેટલાંક કેન્સર, ઔષધો, સ્ટીરોઇડ, શામક દવાઓ (ટ્રન્કિલાઇઝર્સ), ખેંચની સારવારમાં અપાતી દવાઓ, વારસાગત, કેટલાક અજાણ્યા કારણો, સૂર્યપ્રકાશથી તદ્દન દૂર રહેવું વગેરે.
ઉપાયો : સંતુલિત આહાર, દૂધ, ફળો, કેળા, સફરજન, પપૈયું, કેરી તથા લીલા પાદડાવાળા શાકભાજીમાંથી વિટામીન ડી અને કેલ્શિયમ મળે છે. નિયમિત કસરત ખાસ કરીને એનેરોબિક વ્યાયામ હાડકાંને તંદુરસ્તી બક્ષે છે. જેમાં વજન ઉચકવાની કસરતો મુખ્ય છે. ધુમ્રપાન અને શરાબથી દૂર રહેવું. સવારનાં હુંફાળા સૂર્યપ્રકાશમાં પાંચ મીનીટ રોજ ઉભા રહેવું. જેટલાં જલ્દી ઉપાયો શરૂ કરશો એટલો લાભ વધારે. મોડા પડ્યા હો તો આજથી શરૂ કરશો.
રજો નિવૃત્તિ પછી ૫ વર્ષમાં હોરમોન રીપ્લેસમેન્ટ થેરાપી (એચ.આર.ટી.) શરૂ કરવામાં આવે તો હાડકાંને ઘણો લાભ થાય છે. પ્રજનન અંતસ્ત્રાવો ઔષધ રોજ અપાય છે. જો કે તેના કેટલાક ગેરલાભો પણ છે. ખાસ કરીને શરીરની નસોમાં લોહી ગંઠાવાનું પ્રમાણ, સ્તન એન ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધે છે. તેથી એનાં લાભ અને હાનિનાં પાસા જાણીને તે શરૂ કરવી. નિર્ણય વ્યક્તિગત ધોરણે નિષ્ણાંત લે છે.
સારવાર : સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસ માટે કેલ્શિયમ, વિટામીન ડી, કેલ્સિટોનિન, બાઇફોરન્ફોનેટસ અને હોરમોન ચિકિત્સા મુખ્ય છે. જો કે સારવાર બંધ કરતા જ હાંડકા ફરી ગળવા માંડે છે. પુરૂષોમાં અસ્થિભંગ થવાનું જોખમ એક તૃતીયાંશ દર્દીઓને રહે છે. જો કે એમને પણ કેલ્શિયમ, વિટામીન ડી અને બાઇફોસ્ફોનેટ્સ આપવી જરૂરી છે.
વૃદ્ધાવસ્થામાં પોષણની કાળજી
સાઠ વર્ષની મોટી ઉંમરના લોકોમાં જૈવિક ખાસિયતો જીવનશૈલી અને શારિરીક ક્ષમતામાં ઘણી ભીન્નતા ધરાવે છે. તેથી ૬૦ વર્ષની વ્યક્તિ અને ૯૦ વર્ષની વ્યક્તિનાં શરીરની આહારની જરૂરીયાતમાં ઘણો ફેર રહે છે. રોગોને લીધે પણ આહારની જરૂરીયાતમાં ઘણી કાળજી રાખવાની જરૂર પડતી હોય છે.
અપૂરતા પોષણથી તન પર થતી અસરો : અભ્યાસથી એવું જણાયું છે કે ઉંમર વધે તેમ વ્યક્તિનો આહાર ઘટતો જાય છે. તેથી કેલરી અને પોષકતત્વોમાં ઉણપ થાય છે. પરંતુ પ્રવાહી, પ્રોટીન, મોટાભાગનાં વિટામીનો અને ખનીજ દ્વવ્યોની જરૂરીયાત તો એટલી જ રહે છે. અથવા તો વધે છે. દાંતના અભાવે ખોરાકને બરાબર ચાવી શક્તા નથી. મોંમા લાળરસનું પ્રમાણ ઘટવાથી ખોરાકને ગળે ઉતારવામાં મુશ્કેલી પડે છે. આંતરડા અને મળાશયના સ્નાયુઓ ઢીલા પડવાથી ખોરાકને બરાબર આગળ ધકેલી શક્તા નથી. પાચકરસોનો સ્ત્રાવ પણ ઘટે છે. તેથી આહાર પચાવવામાં મુશ્કેલી થાય છે. આ બધા કારણોને લીધે વૃદ્ધાવસ્થામાં પોષણની સમસ્યાઓ પેદા થાય છે. દા.ત. આંતરડામાંથી લોહતત્વનું શોષણ ઘટે છે. તેથીપાંડુરોગ (એનીમીયા) લાગુ પડે છે. હાઇબ્લડ પ્રેશર કે હૃદયરોગની બિમારી માટે દવા લેતા હોય તો શરીરમાં પોટેશ્યમની કમી થાય છે. ઉંમર વધે તેમ શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટે છે. તરસ ઘટવાથી ડીહાઇડ્રેશન થાય છે.
અપૂરતા પોષણની વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓ નબળા પડે છે. ઉપરાંત કેન્સર, હૃદયરોગ અને હતાશા જેવી તકલીફો થાય છે.
ઉપાય : સંતુલિત આહાર લેવો. પ્રવાહી, રેસાતત્વો, શાકભાજી, તાજાફળો, કઠોળ અને દૂધનું દહીંનું પ્રમાણ વધારવું . દાંતની કાળજી લેવી. હૃદયરોગ, હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ, મુત્રપિંડરોગોની દવાઓ લેતા હો તો આહારમાં ફેરફારો જરૂરી છે. જે ડોકટર પાસેથી જાણવું. બિમારીમાં ખોરાકની ખાસ કાળજી લેવી અને વધારે પડતા ઉપવાસો ન કરવા.