નિર્મળનગર લત્તામાં ડ્રેનેજ ઉભરાતી હોવાની મહિલાઓ દ્વારા મેયર સમક્ષ ઉગ્ર રજુઆત
નિર્મળનગર વિસ્તારમાં ડ્રેનેજની લાઇનોનું ગંદુ પાણી ઉભરાતું હોવાની ગંભીર ફરિયાદો આ વિસ્તારના મહિલાઓ દ્વારા મેયર મનભા મોરી સમક્ષ રજુઆતો કરી હતી. ડ્રેનેજો ઉભરાવવા મુદ્દે મહિલાઓ દ્વારા રજુઆતમાં મેયર સમક્ષ રોષ વ્યક્ત કરાયો હતો. મેયરે તંત્રના અધિકારીઓને બોલાવી આવી ફરિયાદોના ત્વરીત નિકાલો કરવા તાકીદની સૂચનાઓ કરી હતી. જો કે આ મહિલા પ્રતિનિધિ મંડળ સાથે આ વિસ્તારના કોઇ નગરસેવકો ફરક્યા જ નહોતા માત્ર મહિલાઓ દ્વારા રજુઆત થવા પામી હતી.
પ્રિ-મોનસુન કામગીરી પાછળ ખર્ચ કેટલો કમિટીએ વિવિધ મુદ્દે કરેલી વિગતે ચર્ચા
ભાવનગર મહાપાલિકા ડ્રેનેજ કમિટીની બેઠક ચેરમેન હરેશ મકવાણાના અધ્યક્ષપદે મળેલ આ બેઠકમાં કાંતાબેન મકવાણા, શારદાબેન મકવાણા, શિતલબેન પરમાર, યોગીતાબેન પંડ્યા, ગીતાબેન વાજા વિગેરે હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રિ-મોનસુનની કામગીરી અન્વયે સભ્યોએ કેટલીક ચર્ચાઓ કરી હતી. આ ચર્ચામાં પ્રિ-મોનસુનની કામગીરી વાર્ષિક ભાવથી કરાય છે કે ટેન્ડર દ્વારા જે સ્થળે કામ થયેલ હોય તેના કામદિઠ ખર્ચની બાબત, કેટલા કામો પૂર્ણ થયા ક્યાં ક્યાં વોર્ડના બિલો કેટલાં ચૂકવાયા, કુલ ખર્ચ કેટલો થયો, કામ કરવાના હવે કેટલા સ્થળો બાકી રહ્યા ? વિગેરે બાબતો આગામી કમિટીમાં લેખીતથી રજુ કરવા કમિટીએ ડ્રેનેજ વિભાગને કડક સૂચનાઓ આપી હતી. ડ્રેનેજ કમિટીની આ બેઠકમાં ડ્રેનેજ મુદ્દે સભ્યોએ ઉગ્ર રજુઆતો કરી હતી. કમિટી ક્લાર્ક રાણાએ કમીટી કાર્યવાહી નોંધ કરી હતી.
ભાવનગરને રોગચાળા મુક્ત બનાવો ચેરમેન રાબડીયાની પ્રજાને અપિલ
ભાવનગર મહાપાલિકા આરોગ્ય કમિટી ચેરમેન રાજુભાઇ રાબડીયાએ ચેરમેન પદેથી એક અખબારી યાદી બહાર પાડીને રોગચાળા મુક્ત ભાવનગર બનાવવા નગરજનોને અપિલ કરી છે. રાબડીયાએ નિયમિત સફાઇ, દવાનો છંટકાવ, મચ્છરોનો ત્રાસ નિવારવા, વોર્ડોમાં ભેગો થતો કચરોનો નિકાલ કરવા આ મુદ્દે લોકો એવોર્ડ ઓફીસોમાં ફરિયાદો કરવા, રોગચાળાને આગળ વધતો રોકવા વિગેરે બાબતો જણાવી છે. જો કે અગાઉ પણ તેમણે પ્લાસ્ટીક મુક્ત ભાવનગર બનાવવાની અપિલ નિવેદન કરેલ.
શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નરેશ મકવાણાને બનાવો : ચર્ચાનો દોર શરૂ
શિક્ષણ સમિતિના સભ્ય નરેશ મકવાણાને શિક્ષણ કમિટિના ચેરમેન બનાવવા બક્ષીપંચના કેટલાક આગેવાનો જેમાં પૂર્વમેયર સહિત કાર્યકરો સેવા સદન ખાતે એકત્ર થયા હતા. ભાજપના અગ્રણી અને કમિટી ચેરમેન ડી.ડી.ગોહિલની ચેમ્બરે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા થયાની બાબત તેમાં કરચલીયા પરાને શિક્ષણ કમિટીમાં સ્થાન હોદ્દો દેવાની ચર્ચાનો દોર સાંભળવા મળ્યો હતો. નરેશ મકવાણા પણ હાજર જોવા મળેલ.