ભાવનગરની સરકારી હોસ્પીટલમાં આજ તા.૧૮ તી સાર્વજનિક ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે. ભાવનગરની જાણીતી સંસ્થા પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા તબીબી તથા શિક્ષણને લગતી અનેક પ્રયોગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લા દસ વર્ષથી સરકારી હોસ્પીટલમાં ગોપનાથજી મેટરનીટી હોમમાં દરરોજ ૧૦૦ જેટલી પ્રસુતા બહેનોને શુદ્ધ ઘી – સૂંઠ, પીપરીમૂળ યુક્ત શિરો આપવામાં આવે છે. તે ઉપરાંત નવજાત શિશુને ઝબલાં પહેરાવવાનો કાર્યક્રમ પણ ચાલે છે. જેમાાં દર મહિને ૩૦૦ કરતાં વધુ બાળકોને ઝબલાનો સેટ વિના મૂલ્યે અપાય છે.
છેલ્લા ત્રણ વર્ષથી સર.ટી.હોસ્પીટલના દોઢસો જેટલા દર્દીઓ, દર્દીઓના સગાઓને દરરોજ સવારે ઇડલી સંભારનો નાસ્તો વિનામૂલ્યે આપવામાં આવે છે. સર.ટી.હોસ્પીટલમાં હાલ ૬૦૦ કરતાં વધુ ઇન્ડોર પેશન્ટ દાખલ થતા હોય છે. તથા દરરોજની હજાર જેટલી ઓપીડી હોય છે. ભાવનગરની હોસ્પીટલમાં ભાવનગર બોટાદ તથા અમરેલી જિલ્લાના લોકો ખાસ લાભ લઇ રહ્યા છે ત્યારે આવા દર્દીઓના સગાઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવા માટે પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા અન્નપૂર્ણા ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે. અન્નપૂર્ણા ભોજનાલયમાં સવારના આઠ થી બાર વચ્ચે ઇડલી મેંદુવડા તથા અન્ય નાસ્તો માત્ર ૧૦ રૂપિયામોં આપવામાં આવશે અને બપોરે રોટલી દાળભાત શાક સવારના ૧૧-૩૦ થી ૧-૩૦ વચ્ચે અનલિમિટેડ જમાડવામાં આવશે. એ જ રીતે સાંજના ૬ થી ૮ ખીચડી કઢી શાક અને રોટલી પીરસવામાં આવશે.