આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ યુવરાજ સિંહ નવી ઇનિંગની શરૂઆત માટે બીસીસીઆઈ પાસે પહોંચ્યો.
યુવરાજે હવે ઓફિશિયલ રીતે વિદેશી ટી-૨૦ લીગોમાં રમવાની મંજૂરી માંગી. યુવરાજ સિંહે કહ્યું કે, વિદેશી લીગોમાં રમવાની મારી ઈચ્છા છે. બીસીસીઆઈનાં સૂત્રએ પીટીઆઈને મંગળવારે જણાવ્યું કે, યુવરાજે બોર્ડને પત્ર લખ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ આઈપીએલમાંથી સંન્યાસ બાદ મને નથી લાગતું કે બોર્ડને તેને મંજૂરી આપવામાં કોઈ વાંધો હોય.
સંન્યાસ લેતી વખતે યુવરાજે કહ્યું હતું કે તે વિદેશી ટી-૨૦ લીગમાં રમવા માંગે છે. તેણે કહ્યું કે, હું ટી-૨૦ ક્રિકેટમાં રમવા માંગું છું. આ ઉંમરે હું મનોરંજન માટે થોડુંક ક્રિકેટ રમી શકું છું. હું હવે મારી જિંદગીનો આનંદ ઉઠાવવા માંગું છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલ વિશે વિચારવું ઘણું તણાવપૂર્ણ હોય છે.
બીસીસીઆઈના નિયમો મુજબ સક્રિય ભારતીય ક્રિકેટર્સ વિદેશી ટી-૨૦ લીગમાં ભાગ નથી લઈ શકતા. આ પહેલા સંન્યાસ લીધા બાદ વીરેન્દ્ર સહેવાગ અને ઝાહીર ખાન જેવા ક્રિકેટર યૂએઇમાં યોજાયેલી ટી-૧૦ લીગમાં રમી ચૂક્યા છે. ગત મહિને ઈરફાન પઠાણ કેરેબિયન ક્રિકેટ લીગમાં ભાગ લેનારો પહેલો પ્લેયર બન્યો હતો. તે સક્રિય ફર્સ્ટ ક્લાસ પ્લેયર હતો અને બીસીસીઆઈથી તેણે મંજૂરી નહોતી લીધી. આ પહેલા બીસીસીઆઈએ ઈરફાનના ભાઈ યુસુફ પઠાણને હોંગકોંગ ટી-૩૦ લીગમાં રમવાની મંજૂરી નહોતી આપી.