બિહારના મુઝફ્ફરપુરમાં ખાસ પ્રકારના જીવલેણ તાવના કારણે હાહાકાર મચી ગયો છે જે રીતે બાળકોના મોત થઇ રહ્યા છે તેના કારણે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ હચમચી ઉઠી છે. મોતનો આંકડો આજે વધીને ૧૩૦ ઉપર પહોંચી ગયો હતો. ભીષણ ગરમીની વચ્ચે પારો વધવાની સાથે સાથે મૃતકોની સંખ્યા પણ ચિંતાજનકરીતે વધી રહી છે. મુઝફફરપુર મેડિકલ કોલેજ અને કેજરીવાલ હોસ્પિટલમાં હજુ સુધી ૧૩૦ બાળકોના મોત થઇ ચુક્યા છે. ચિંતાજનક બાબત એ છે કે ૩૦૦ બાળકોની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. નાની હોસ્પિટલોમાં અને સારવાર લીધા વગર મૃત્યુ પામેલા બાળકોની તો હજુ સુધી ગણતરી જ કરવામાં આવી નથી. ચિંતાજનક બાબત એ પણ છે કે ગંભીર રીતે બિમાર રહેલા અને મૃત્યુ પામેલા બાળકો પૈકી ૮૦ ટકા બાળકીઓ છે. સરકારી આંકડા દર્શાવે છે કે ૧૩૦ મોત પૈકી ૮૫ બાળકીઓ છે. નિષ્ણાંતોના કહેવા મુજબ આના કારણે વિસ્તારોમાં કુપોષણની ગંભીર સમસ્યા હોવાની બાબત પણ સપાટી પર આવી રહી છે.
જેમાં આયરનની કમીના કારણે આ સમસ્યા સર્જાઇ ગઇ છે. જેની અવગણના સતત થતી રહી છે. વર્ષ ૨૦૧૪માં સમગ્ર દેશમાં આ બિમારીના કારણે અસરગ્રસ્ત થયેલા ૬૦ જિલ્લાની ઓળખ કરી લેવામાં આવી હતી. સાથે સાથે આ તમામ જિલ્લામાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યા હતા. તેમાં પાંચ મંત્રાલયની એક કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય મંત્રાલય ઉપરાંત જુદા જુદા મંત્રાલયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ મંત્રાલયના નિષ્ણાંતોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલામાં લોકજનશક્તિ પાર્ટીના નેતા ગાયબ રહેતા કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના પર પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મિડિયા સંયોજક રાધિકા ખેરાએ કહ્યુ છે કે ચિરાગ પાસવાન ગોવામાં પાર્ટી કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે દરેક કલાકમાં બાળકોના મોત થઇ રહ્યા છે ત્યારે પાસવાન પાર્ટી કરી રહ્યા છે. બિહારના સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં ઇસ્ટ ચંપારન, સીતામઢી, શિવહર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારન અને ઇસ્ટ ચંપારનનો સમાવેશ થાય છે. બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ તાવના કારણે ઉભી થયેલી જટિલ સ્થિતીની માહિતી મેળવી લેવા માટે બિહારમાં પહોંચી ગયા હતા. અસરગ્રસ્ત તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર તબીબોની બાજ નજર છે. મુજફ્ફરપુર પહોંચેલા હર્ષવર્ધને પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. નિષ્ણાંત તબીબો સાથે વાતચીત કરી હતી. હર્ષવર્ધને શ્રીકૃષ્ણા મેડિકલ અને હોસ્પિટલની મુલાકાત લઇને તબીબો સાથે વાત કરી હતી.ચમકી તાવ તરીકે ગણાતા એક્યુટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમથી હજુ સુધી ૧૩૦ બાળકોના મોત રાજ્યમાં ભારે દહેશત ફેલાયેલી છે. બિમારીના કારણે બાળકોના મોત થઇ રહ્યા છે ત્યારે સરકાર ભારે ઉદાસીન દેખાઇ રહી છે. જુદી જુદી હોસ્પિટલમાં તબીબોની કમી, જરૂરી દવાના અભાવ અને બેડ અને નર્સિંગ સ્ટાફની અછતના કારણે પણ બિમારી વધારે વધી ગઇ છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે લોકસભાની ચૂંટણીના કારણે મુઝફફરનગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી જાગરૂકતા અભિયાન હાથ ધરવામાં સફળતા મળી નથી. જેની પણ પ્રતિકુળ અસર જોવા મળી છે. સરકાર રોગ પર કાબુ મેળવી લેવા માટેના તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં હજુ સુધી સફળતા મળી નથી. કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે જો સરકારે પહેલાથી જ તૈયાર કરવામાં આવેલી યોજનાને અમલી બનાવી હોત તો બાળકોને બચાવી શકાયા હોત. રાજ્યમાં હજુ સુધી આ બિમારીને રોકવા માટે સરકારે રિસર્ચ અને સારવાર પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતીમાં કોઇ નોંધપાત્ર સુધારો થઇ રહ્યો નથી. મોતનો સિલસિલો જારી છે. માત્ર એક જ હોસ્પિટલમાં સેંકડો બાળકોના મોત થયા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્ય છે કે જે બાળકોના મોત નાની હોસ્પિટલમાં થયા છે અથવા તો ઘરમાં થયા છે તે બાળકોનો મોતના આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બિન સરકારી આંકડા દર્શાવે છે કે આ બિમારીથી હાલમાં બે હજાર બાળકો ગ્રસ્ત થયેલા છે.તાવના કારણે બાળકોની હાલલ ગંભીર છે.