લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની શક્યતા ચકાસવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ પક્ષોના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદમાં જુદા જુદા પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, મોટાભાગના મોટા પક્ષોના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા બેનર્જી, બસપના વડા માયાવતી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, ડીએમકેના એમકે સ્ટાલિન, ટીડીપીના વડા ચંદ્રશેખર રાવ અને શિવસેના વડા ઉદ્ધવ ઠાકરે તેમજ દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગેરહાજર રહ્યા હતા. માતાવતીએ ગઇકાલે જ ટિ્વટ કરીને કહ્યું હતું કે, તેઓ આ મિટિંગમાં ઉપસ્થિત રહેશે નહીં. જો કે, મોટાભાગના રાજકીય પક્ષોના નેતાઓ ગેરહાજર રહેતા આ મિટિંગ બિનઅસરકારક સાબિત થઇ હતી. મોદીએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચાર, ૨૦૨૨માં સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી અને આ વર્ષે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિને અલગરીતે ઉજવવાના હેતુસર ચર્ચા વિચારણા માટે આ બેઠક બોલાવી હતી. લોકસભા અને રાજ્યસભામાં સભ્યો પૈકી કોઇ સભ્ય ધરાવનાર તમામ રાજકીય પક્ષોના નેતાઓની આ બેઠક યોજવમાં આવી હતી. એનસીપીના નેતા શરદ પવાર, સીપીએમના સીતારામ યેચુરી, સીપીઆઈના ડી રાજા, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતિશકુમાર, શિરોમણી અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજેડીના નેતા નવીન પટનાયક, નેશનલ પિપલ્સ પાર્ટીના નેતા સાંગ્મા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં પીડીપીના નેતા મહેબુબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, મોદી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકને લઇને વિરોધ પક્ષોએ ચિંતા વ્યક્ત કરી હતી. વિરોધ પક્ષો માને છે કે, ભાજપ દ્વારા બિછાવવામાં આવેલી જાળમાં તેઓ ફસાઈ જશે. બેઠકમાં હાજરી આપતા પહેલા તમામ પાસાઓ ઉપર ચર્ચા કરવાની જરૂર આ નેતાઓને લાગી હતી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લો કમિશને લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાને લઇને ભલામણ કરી હતી. લો કમિશને કહ્યું હતું કે, એક સાથે ચૂંટણી યોજવાથી નાણાં બચી જશે. કાયદા મંત્રાલયને સુપ્રત કરવામાં આવેલા ડ્રાફ્ટમાં એવી માહિતી પણ આપવામાં આવી હતી કે, પ્રવર્તમાન સંજોગોમાં અને બંધારણના હાલના માળખાની અંદર એક સાથે ચૂંટણી શક્ય નથી. કેન્દ્ર સરકારે ત્યારબાદ સમય સમયે આ વિચારને રાજકીય પક્ષોમાં ચર્ચા જગાવી છે. વડાપ્રધાને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાને લઇને ચર્ચા કરવા અને સર્વસંમતિ સાધવા હાંકલ કર્યા બાદ દેશમાં આને લઇને ચર્ચા છેડાઈ હતી. નાણાંકીય બચત અને સંશાધનોના યોગ્ય ઉપયોગને લઇને પણ મોદીએ વાત કરી હતી. નીતિ આયોગની ગયા સપ્તાહમાં યોજાયેલી બેઠકમાં મોદીએ આ મુદ્દા ઉપર વાત કરી હતી. નીતિ આયોગ દ્વારા પણ આને લઇને હકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી હતી.