શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી તા. ર૧ જૂન-ર૦૧૯એ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે પ૦ હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરાશે.
ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્રીય પ્રયાસોથી ર૦૧૪માં યુ.એન.માં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી અને ર૦૧૫ થી દર વર્ષે તા. ર૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે.
આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ ૮ મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને ૧ કરોડ પ૧ લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે તેની ભૂમિકા શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે શાળા-મહાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજીસ-યુનિવર્સિટી તેમજ પોલીટેકનીક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઇ.ટી.આઇ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાવાના છે.
મંત્રીઓએ ઉમેર્યુ કે, વ્યકિતના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવામાં આવી છે.
તેમણે આ વર્ષના વિશ્વ યોગ દિવસની ઉજવણીની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમા યોગને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે તેને હવે રાજ્યના પ્રવાસન-યાત્રાધામો અને ઐતિહાસિક મહત્તા ધરાવતા સ્થાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો છે. આ સંદર્ભમાં રાજ્યમાં વિવિધ ઐતિહાસિક, ધાર્મિક સ્થળો અને વ્યકિત વિશેષોના જન્મ સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસની જનભાગીદારીથી ઉજવણી કરવામાં આવશે. ચુડાસમા અને શ્રી પટેલે કહ્યું કે, આવા ૧પ૦ થી વધુ સ્થળોએ સામૂહિક યોગક્રિયા હાથ ધરાશે. તદ્દઅનુસાર મોઢેરા સૂર્યમંદિર, આદ્યશિકત ધામ અંબાજીનો ચાચર ચોક, દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકા, ઉપરાંત ડાકોર, શામળાજી, પાવાગઢ, સીદી સૈયદની જાળી, રાણકીવાવ, સરખેજ રોજા, લોથલ, પોરબંદર કિર્તીમંદિર, ઉદવાડા પારસી અગિયારી, અમૂલ ડેરી, મહાત્મા મંદિર સમીપે દાંડીકૂટિર, અક્ષરધામ, તૂલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા પ્રવાસન ધામોમાં પણ યોગ્ય અભ્યાસ તા. ર૧ મી જૂને સવારે જનસહયોગથી પ્રેરિત કરવાના છીયે.
મંત્રીઓએ ઉમેર્યુ કે, વિશ્વ યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં સવારે ૬ થી ૮ દરમ્યાન યોજાશે. અમદાવાદ મહાનગરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકો-યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાવાના છે. ે