ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમ આઈસીસી વિશ્વ કપમાં આ સમયે સૌથી મજબૂત ટીમ લાગી રહી છે. ગાંગુલીએ આ સાથે કહ્યું કે, શિખર ધવનનું ઈજાને કારણે બહાર થવું તેમના માટે ચોંકાવનારૂ નથી. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંગૂઠામાં ઈજા થઈ હતી. ગાંગુલીએ કહ્યું, ’ઈંગ્લેન્ડ સારી ટીમ છે પરંતુ ભારત શાનદાર ટીમ લાગી રહી છે.’ ધવન ગયા બાદ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. તેના સ્થાન પર બીસીસીઆઈએ યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરવા માટે આઈસીસીને અપીલ કરી છે.
ધવન બહાર થવા પર ગાંગુલીએ કહ્યું, ’હું આ વાતથી ચોંક્યો નથી કે તે બહાર થયો કારણ કે મેં ઈંગ્લેન્ડમાં તેને જોયો હતો. તેના અંગૂઠામાં ફ્રેક્ચર છે. તેમાં ઘણો સમય લાગશે. ઈંગ્લેન્ડથી પરત આવેલા ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ધવનનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે ઝટકો છે તો તેમણે કહ્યું, આ ઝટકો છે, પરંતુ તેના વગર આપણે પાકિસ્તાનને આસાનીથી પરાજય આપ્યો હતો. તેથી હું કહી શકું તે ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. મને આશા છે કે ધવન ઝડપથી ફિટ થઈ જશે.’