ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે દરિયાઈ માર્ગે શરૂ કરવામાં આવેલ પરિવહન સેવા આજથી ફરિ એકવાર શરૂ કરવામાં આવી છે. આ સેવા લોકોમાં ધીમી ગતિએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઘોઘા ખાતે હેવી લીંંકસ્પનનું જોડાણ બાકી હોય આથી જીએમબી દ્વારા ગત જાન્યુઆરી માસમાં હંગામી ધોરણે ફેરી સર્વિસ સેવા સ્થગિત કરી લીંકસ્પન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે ૩૦ જાન્યુઆરીના રોજ પુર્ણ થતા સત્તાવાળ તંત્ર દ્વારા ફેરી સર્વિસ ફરિ શરૂ કરવા લીલીઝંડી આપવામાં આવતાં આજરોજ દહેજથી નિયતસમયે પેસેન્જર વેસલ ઘોઘા આવી પહોચ્યું હતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા સેવા શરૂ થવા અંગે જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આજથી શરૂ થયેલ સેવાને લઈને સમયમાં પણ ફેર-ફાર કરવામાં આવે છે. જયારે ટીકીટનો દર યથાવત રાખવામાં આવ્યો છે.અ ધિકારીઓના જણાવ્યા અનુસાર ઓનલાઈન ટીકીટ બુકીંગમાં પણ ભારે ધસારો થઈ રહ્યો છે.
આ અંગે માહિતી આપતા જીએમબીના અધીકારીના જણાવ્યા અનુસાર કિંમતી સમ, ઈંધણની બચત થાય તથા દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે સરળતાથી જોડી શકાય તેવા હેતુસર આ સેવા શરૂ કરવામાં આવી છે. આગામી માર્ચ માસમાં અતિ આધુનિક રો-રો જહાજનું આગમન થશે. ત્યાર બાદ આ જહાજ દ્વારા માલસામાન અને મુસાફરોનું પણ સરળતાપુર્વક પરિવહન શરૂ કરાશે . આ સેવાનો ત્રીજા તબકકામાં મહત્વપુર્ણ ફેરફારોનો પણ અવકાશ રહેલો છે. ઘોઘાથી હજીરા વાયા દહેજ સુધી સેવા લંબાવવામાં આવશે. ન્યુ આધુનિક શિપના કારણે ઓછા સમયમાં મુસાફરો તથા માર્ગોનું પરિવહન શકય બનશે. વર્તમાન સમયે મુસાફરો સુરત જવા માટે જ આ સેવાનો લાભ લઈ રહ્યા છે પરંતુ દહેજથી રોડ માર્ગે સુરત પહોંચાડવામાં આવે છે. કારણ કે ઘોઘાથી દહેજનું દરિયાઈ માર્ગે અંતર ઓછું છે. જેને લઈને ઘોઘાથી દહેજ વચ્ચે સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ વિશાળ શિપના કારણે દરિયામાં અંતર કાપવામાં સળરતા રહેશે. ઉપરાંત સલામતી પણ પુરે પુરી રહેશે. આ બાબત પર જીએમબીએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે અને એ માટે કાઉન-ડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું ઉમેર્યુ હતું.
ફેરી સર્વિસનું ટાઈમટેબલ તથા ટીકીટ દર
ઘોઘાથી ૭-૩૦ થી સવારે ઉપડી દહેજ ૮.૩૦ પહોચશે. દહેજથી ૧૧-૩૦ ઉપડી ઘોઘા ૧ર-૩૦ પહોંચશે. ઘોઘાથી પ.૧પ ઉપડી દહેજ ૬-૩૦ સાંજે પહોંચશે. ભાવનગરના અલગ અલગ ૩ વિસ્તારોમાંથી સ્પે. બસ દ્વારા મુસાફરોને ઘોઘા પહોંચાડવામાં આવશે. ઘોઘાથી દહેજ સુધીનું ભાડું રૂા. પ૧ર તથા સુરત સુધીનું ૭૪૦ રૂપિયા રાખવામાં આવ્યું છે.