રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી ૧૭૬ બેરોજગાર પાસેથી ૩૬ લાખ રૂપિયાની ઠગાઇ, ૫ ઝડપાયા

598

રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને ૧૭૬ બેરોજગારો સાથે રૂપિયા ૩૬.૩૫ લાખની ઠગાઇ કરનાર ભેજાબાજ ટોળકીના ૫ સાગરીતોને વડોદરા શહેર એસ.ઓ.જી.એ ઝડપી પાડ્‌યા છે. પોલીસે વાઘોડિયા સ્થિત તેમની ઓફિસમાં બોગસ એપોઇમેન્ટ લેટર, ટ્રેનિંગ સર્ટિફિકેટ, આઇ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પ્લેક્ષના બીજા માળે ૨૧૦ નંબરમાં શ્રીજી એજ્યુકેશન નામની ઓફિસ શરૂ કરીને ભેજાબાજો તુષાર યોગેશભાઇ પુરોહિત (રહે.૨૬૭, અમૃતવિલા એપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ), અનિલ મનુભાઇ પટેલ (રહે. પટેલ ફળિયું, સયાજીપુરા, વડોદરા), શૈલેષ મનુભાઇ સોની (રહે. ૨૦૨, સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ નંબર-૩, વાઘોડિયા રોડ, વડોદરા.), સુરસિંગ મનસુખ રાઠવા (રહે.૫, બાબાદેવનગર સોસાયટી, બાપોદ ગામ, વડોદરા., મૂળ શીલોજ ગામ, છોટાઉદેપુર) અને મનોજ દેવાભાઇ વણકરે (રહે.૧૦૧, ઓર્ચિડ બંગલોઝ, અક્ષર ચોક, વડોદરા) રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી ૧૭૬ યુવાનો સાથે રૂપિયા ૩૬.૩૫ લાખની છેતરપિંડી કરતા હતા. આ ટોળકી પૈકી એક ભેજાબાજ સરકારી કર્મચારી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેઓની ઓફિસમાંથી વિવિધ દસ્તાવેજો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ભેજાબાજોએ રેલવેમાં નોકરી મેળવવા માંગતા બેરોજગાર યુવાનોને વિશ્વાસમાં લેવા માટે ભારતીય રેલવે ન્યુ દિલ્હીના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સિનીયર રાઇટર, ક્લાર્ક અને પટાવાળાના હોદ્દાઓ ઉભા કર્યાં હતા. તેઓ પોતાની ઓફિસમાં ઉભા કરેલા હોદ્દા પ્રમાણેના બનાવેલા આઇ કાર્ડ પહેરીને જ બેસતા હતા. અને રેલવેમાં નોકરીની લાલચમાં આવતા યુવાનોને ફસાવતા હતા. આ ઠગ ટોળકી રેલવેમાં નોકરી મેળવવા માંગતા યુવાનોને ન્યુ દિલ્હી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડના નામે રેલવેમાં નોકરી અપાવવાનું જણાવતા હતા. અને તે પ્રમાણે તેઓને પોતાની ઓફિસમાં અરજી ફોર્મ ભરાવતા હતા. અરજી ફોર્મ ભરાયા બાદ તેઓ યુવાનોને વડોદરા અને જયપુરમાં રાખેલી જગ્યામાં યુવાનોની પરીક્ષા લેતા હતા. અને બોગસ નિમણૂંક પત્રો આપતા હતા. અને તેઓ પાસેથી ૫ ટકા કમિશન પેટે રૂપિયા ૫૦૦૦ થી રૂપિયા ૬૦,૦૦૦ હજાર લેતા હતા.

એસ.ઓ.જી.એ ઠગ ટોળકીની ઓફિસમાં દરોડો પાડીને ૧૨ બોગસ આઇકાર્ડ, ૧૦ નેમ પ્લેટ, ૯ રબર સ્ટેમ્પ, સ્ટેમ્પ પેઇડ, ૫૨ ટ્રેનિંગના સર્ટીફિકેટ, ૩૪ નંગ ઉમેદવારોની બનાવેલી મેરીટ લિસ્ટની યાદી, રજિસ્ટર, ૪ નોટબુક, ૧૪ ઉમેદવારી ફોર્મ, અશોક સ્તંભના હોલમાર્કવાળા ૧૮૦ નંગ લેટર પેઇડ, ૪૮ નંગ રેલવેના માર્કાવાળા કવર, ૨૧ રેલવે મંત્રાલયના કોરા લેટર પેઇડ, રેલ ભવનના સિક્કાવાળુ પરીક્ષાપત્ર, ૧૧ નંગ રેલ ભરતી બોર્ડના કવરોવાળા ઓર્ડર સહિતના દસ્તાવેજો કબજે કર્યાં હતા.

આ તમામ સ્ટેશનરી દિલ્હીનો ઉર્જાસિંગ સપ્લાય કરતો હતો. અને સ્ટેશનરી પર એસ.પી. સિંગ નામના વ્યક્તિની સહીઓ છે. જે આ ગુનામાં હાલ વોન્ટેડ છે. વડોદરામાંથી પકડાયેલી ભેજાબાજ ઠગ ટોળકીએ પૂછપરછમાં ઉમેદવારો પાસેથી લેવામાં આવતી રકમ ઉર્જાસિંગને મોકલવામાં આવતા હતા. આ ઠગ ટોળકી સામે બાપોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Previous articleલીંબડિયા બ્રિજ પાસે ખાડો ન પુરાતાં ૪ ફૂટ પાણી ભરાયાંઃ ડિવાઇડર તોડવું પડ્‌યું
Next articleવિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, બોર્ડની પરિક્ષામાં કેન્દ્ર બદલી શક્શે