દહેગામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પાલિકા દ્વારા શુક્રવારે બપોરે શહેરમાં તાલુકા સેવા સદન, સરદાર શોપિંગ સેન્ટર, તાલુકા પંચાયત કચેરી રોડ અને ચેતના હોટલ નજીકના લારી ગલ્લા અને ફુટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.જેના કારણે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
દહેગામમાં ટ્રાફિકની વિકટ સમસ્યા હળવી થાય તે માટે દહેગામ નગરપાલિકાના તંત્રે પોલીસ કુમક સાથે જેસીબી મશીન અને ટ્રેકટર સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. દબાણ હટાવવાની કાર્યવાહીના ભાગ રૂપે શહેરની તાલુકા સેવા સદન કચેરી આગળ લારીઓના દબાણો દૂર કરી સરદાર શોપિંગ સેન્ટર રોડ પર વારાહી માતાના મંદિર તરફ જતાં માર્ગો પર લારીઓ તેમજ છાપરાના કાચા દબાણો દૂર કરાયા હતા. કેટલાક દુકાનદારો દ્વારા ફુટપાથ પર માલસામાન રાખી દબાણ કરાયુ હોવાથી ફુટપાથના દબાણો પણ દૂર કર્યા હતાં.
દહેગામ તાલુકા સેવા સદન કચેરીમાં પ્રવેશવા માટેના ખાદીભંડાર પાસેના માર્ગ પર પણ એક રીક્ષામાં પાન પાર્લર ઉભુ કરી દબાણ કરાયુ હતુ. તેને પણ પાલિકાના તંત્રએ દૂર કરી દબાણકાર દ્વારા બાંધવામાં આવેલ શેડને પણ હટાવાયો હતો. ચેતના હોટલ પાસેના લારી ગલ્લાના કાચા પાકા દબાણો દૂર કરાતા શહેરના રસ્તાઓ ટ્રાફિક વિનાના ખુલ્લા જોવા મળ્યા હતા.
દબાણ હટાવવાની કાર્યવાહી દરમ્યાન પાલિકાએ દસેક લારીઓ અને અડચણ રૂપ સામાન કબજે કરી દંડનિય કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરી હતી.