જેટ એરવેઝની વિરુદ્ધ બેન્કોની દેવાળિયા અરજી એનસીએલટીની લોકલ બેન્ચે મંજૂર કરી છે. એસબીઆઈના નેતૃત્વમાં ૨૬ બેન્કોના કન્સોર્શિયમે મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં દેવાળિયા અરજી દાખલ કરી હતી. ટ્રિબ્યુનલે રિઝોલ્યૂશન પ્રોફેશનલ્સને આદશે આપ્યો કે ૯૦ દિવસ (ત્રણ માસ)ની અંદર અરજીની પતાવટ કરવામાં આવે.
બેન્ચના જજો વી પી સિંહ અને રવિ કુમારે ઈનસોલ્વેન્સી, બેન્કરપ્ટસી કોડ(આઈબીસી)ની ધારા ૭ અંતર્ગત અરજી મંજૂર કરી. બેન્ચનું કહેવું હતું કે મામલો રાષ્ટ્રીય મહત્વનો છે, આ કારણે તેની પતાવટ ૯૦ દિવસની અંદર કરવામાં આવે. ટ્રિબ્યુનલના કાયદા મુજબ- આઈબીસીની કલમ ૭ અંતર્ગત અરજીની પતાવટની ડેડલાઈન છ માસ છે. અગામી સુનાવણી ૫ જુલાઈએ થશે.
જેટમાં હિસ્સો વેચવા માટે બિડિંગ પ્રક્રિયા ફેલ થવાને કારણે લેન્ડર્સે સોમવારે દેવાળિયા પ્રક્રિયામાં જવાનો નિર્ણય કર્યો હતો, જેથી લોનની વસુલી કરી શકાય. જેટ એરવેઝે બેન્કોની ૮,૫૦૦ કરોડની લોન ચૂકવવાની બાકી છે.