ગુજરાતના ૧૬૦૦ કિલો મીટર લાંબા દરિયા કિનારાનું રક્ષણ કરતા તટ રક્ષક દળનાં જવાનોની જાંબાઝ કામગીરીનાં વખાણ કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાનું રક્ષણ કરતા આ જવાનો હમેશા તેમના ‘વયમ રક્ષામઃ’ સૂત્ર ને સાર્થક કરે છે.
ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના ગાંધીનગર ખાતે ૪૧માં તટ રક્ષક સ્થાપના દિવસની રાજ્યપાલની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં રાજયપાલે વર્ષ ૨૦૧૭ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે જેની નોંધ લેવાઈ હતી તેવા કાર્યોને બિરદાવતા ઉમેર્યું હતું કે, ૧૦૯ લોકોના જીવન બચાવાની કામગીરી, એપ્રિલ ૨૦૧૭માં પાકિસ્તાનનાં નાગરિકોને બચાવી પાકિસ્તાનને સોંપવા, ૨૭ જુલાઈ ૨૦૧૭ નાં રોજ માદક પદાર્થોની હેરાફેરી કરતા આંતરરાષ્ટ્રીય રેકેટ નો પર્દાફાશ કરવો અને ઓખી વાવાઝોડું આવ્યું ત્યારે સમુદ્રમાં ફસાયેલા ૬૧ માછીમારોનો જીવ બચાવવા જેવી શ્રેષ્ઠ કામગીરી ઉપરાંત સમુદ્રમાં પ્રદુષણ ફેલાય નહીં તે માટે અને પર્યાવરણની સુરક્ષા માટે, તટ રક્ષક દળ દ્વારા હમેશા કાળજી રાખવા માં આવે છે.
આ પ્રસંગે ઉત્તર પશ્ચિમ પ્રદેશનાં મહાનિરીક્ષક રાકેશ પાલ અને રાજ્યપાલે તટ રક્ષક દળનું નવું બ્રોસર રીલીઝ કરી કેક કાપી ૪૧ માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.
આ પ્રસગે રાજસ્થાનનાં લોક ગાયક સિકંદર ખાન અને તેમની ટીમે રાજસ્થાની લોક ગીતો અને લોક નૃત્ય કર્યું હતું, ગુજરાતના ભરત બારૈયા અને અક્ષય પટેલે દિપ આરાધના નૃત્ય રજુ કર્યું હતું. જ્યારે ઉડિયા ગાયક ક્રિષ્ના બેવડા એ સૂફી ગીતો ગાયા હતા.