ગાંધીનગર શહેરમાં ૪૦૦ જેટલા સ્કૂલ વર્ધીના વાહનો નોંધાયા છે, જેમાં ૧૨૪ જેટલી વાન છે. આ આંકડોથી આરટીઓમાં નોંધાયેલા વાહનોનો છે પરંતુ રોજે-રોજ શહેરમાં ફરતા સ્કૂલ વાહનો અને સ્કૂલોની સંખ્યાને જોતા ખરેખર સ્કૂલવાહનોની સંખ્યા ૮૦૦થી વધી જાય છે. એટલે કે ૫૦ ટકા વાહનો રજિસ્ટ્રેશન વગર જ ફરે છે.
બીજી તરફ રજિસ્ટર થયેલા મોટાભાગના વાહનો પણ નિયમોનું પાલન કરતાં નથી. ત્યારે હવે વાલીઓને લાગી રહ્યું છે કે પર્યાવરણ બચાવોની ઝુંબેશની જેમ એક ઝુંબેશ બાળકો બચાવવાની જરૂરી છે. ગાંધીનગર શહેરમાં વિસ્તાર અને અંતર પ્રમાણે સ્કૂલવર્ધી માટે મહિને ૪૦૦ રૂપિયાથી ૭૦૦નો ભાવ ચાલે છે. મોટા ભાગના ચાલકો દિવાળી, ઉનાળુ વેકેશન સહિતની રજાઓની પણ પૈસા લે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા ભાગના મહાનગરોમાં સ્કૂલવર્ધીના સંચાલકો દ્વારા અવારનવાર વાહનોની ફીમાં વધારો કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બાળકો માટેની સલામતીને લઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવા સંચાલકો ગંભીર જણાતા નથી. તેમની સામે સજાગ થવાની જરૂર છે.
નિકોલની ઘટના બાદ ગાંધીનગર આરટીઓ દ્વારા છેલ્લા ૫ દિવસમાં ૩૫ સ્કૂલ વાનોને મેમો ફટકરાયો છે. ૨૫ વાન ડિટેઈન કરાઈ છે. ૫દિવસની ઝુંબેશમાં કુલ ૫૯,૫૬૪નો દંડ ફટકારાયો છે. આ સિવાય જિલ્લાની ૮૦૦ સ્કૂલ બસોના ફોટો મંગાવીને નિયમો અંગે વેરિફિકેશન કરાયું છે.